World Test Championship ની ફાઇનલમાં ભારતીય ટીમ અલગ અંદાજમાં મેદાન પર દેખાઇ હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાના જૂના સ્વરૂપથી એકદમ જ અલગ હતી. આ અંદાજ અને રૂપ તેની રમતનો ન હતો, પણ તેની જર્સીનો હતો.
ટીમ ઇન્ડિયા નવી કંપનીની જર્સી પહેરીને ઉતરી હતી. અને ટીમ ઇન્ડિયાની જર્સી પર કોઇ સ્પોન્સર પણ ન હતુ. આ સ્થિતિમાં હવે ફેરફાર થવાનો છે કારણ કે બીસીસીઆઇને ડ્રીમ-11 ના રૂપમાં નવો જર્સી સ્પોન્સર મળી ગયો છે.
ભારતીય ક્રિકેટ ટીમ (મહિલા અને પુરુષ) ની જર્સીના મુખ્ય સ્પોન્સર તરીકે હવે ફેન્ટસી ગેમિંગ એપ ડ્રીમ-11 નું નામ ચમકશે. ડ્રીમ-11 ને આ તક બાયજૂસની સ્પોન્સરશિપ ખત્મ થવા બાદ મળ્યું છે. છેલ્લા 4 વર્ષમાં બાયજૂસ ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર હતી, પણ હાલમાં જ તેણે BCCI સાથે પોતાનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ કારણે જ WTC Final માં ટીમ ઇન્ડિયાની જર્સી પર કોઇ સ્પોન્સર ન હતુ.
બીસીસીઆઇ નવા જર્સી સ્પોન્સર થોડા દિવસ અગાઉ જ નવા ટેન્ડરની જાહેરાત કરી હતી. આ ટેન્ડરમાં નવા જર્સી સ્પોન્સર માટે સીલબંદ કિંમત માગવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે ડ્રીમ-11 એ આ ડીલ હાંસિલ કરી લીધી છે. કંપનીએ આ માટે કેટલી રકમ ખર્ચ કરી છે એ હાલમાં સ્પષ્ટ નથી કારણ કે બોર્ડે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. 65 હજાર કરોડ રૂપિયાથી વધારે નેટવર્થ વાળી ડ્રીમ ઇલેવન આઇપીએલમાં પણ બીસીસીઆઇની મુખ્ય સ્પોન્સરમાંથી એક છે.
નોંધપાત્ર છે કે હાલમાં તે સ્પષ્ટ છે કે બાયજૂસના મુકાબલે ડ્રીમ-11ને આ ડીલ સસ્તી પડી છે. બાયજૂસ તરફથી બીસીસીઆઇને એક બાઇલેટરલ મેચ માટે રૂપિયા 5.5 કરોડ મળતા હતા, જ્યારે આઇસીસી અથવા એસીસીની મેચ માટે 1.7 કરોડ રૂપિયા મળતા હતા. આ તફાવત માટે કંપનીના લોગોની જગ્યા હતી. બાઇલેટરલ મેચ માટે લોગો જર્સીની વચ્ચે રહેતો હતો, જ્યારે આઇસીસી/એસીસી મેચ માટે લોગો જર્સીની સ્લીવ પર હોય છે.
આ વખતે બીસીસીઆઇને વધુ કિંમત મળવાની આશા નથી કારણ કે બોર્ડે પહેલા જ બેઝ પ્રાઇસ ઓછી કરી દીધી હતી. અહેવાલ મુજબ, બોર્ડને આ વખતે સ્પોન્સરશિપ માટે કંપનિઓ તરફથી વધુ ઇન્ટરેસ્ટ નથી મળ્યું. વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીમાં નવા સ્પોન્સરનું નામ ભારતીય ટીમની જર્સી પર દેખાશે.