જ્યારથી BCCIએ વિરાટ કોહલી (Virat Kohli) થી લઈને રોહિત શર્મા (Rohit Sharma) ને ODI ટીમની કપ્તાની આપી છે ત્યારથી નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ક્યારેક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આ અંગે સ્પષ્ટતા કરતા જોવા મળે છે તો ક્યારેક કોહલીના કોચ રાજકુમાર શર્મા BCCIની પારદર્શિતા પર સવાલ ઉઠાવે છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કહી રહ્યા છે કે કોહલીને જે રીતે હટાવવામાં આવ્યો તે યોગ્ય નથી.
T20 વર્લ્ડ પહેલા પણ કોહલીએ T20 ઇન્ટરનેશનલની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. જો કે, ત્યારબાદ તેણે ODIની કેપ્ટનશીપ છોડવા અંગે કશું કહ્યું ન હતું. આ પછી, BCCIએ ODI ટીમની કમાન રોહિતને સોંપી દીધી. જ્યાં BCCIના આ નિર્ણયથી કોહલીના ફેન્સ દુખી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર બ્રેડ હોગ (Brad Hogg) નું માનવું છે કે BCCIનો આ નિર્ણય કોહલી માટે વરદાન સાબિત થશે.
બ્રાડ હોગે સોશિયલ મીડિયા વિડીયો વડે કહ્યું, ‘મને લાગે છે કે આ એક સારું પગલું છે. કોહલીએ તેને અપનાવી લેવું જોઈએ અને સંપૂર્ણપણે હળવા થવું જોઈએ. કોહલીને હાલ માટે ODI અને T20 ની કેપ્ટન્સી છોડી દેવાથી તેના પર ઘણું દબાણ ઓછું થઈ ગયું છે. બ્રાડ હોગે વધુમાં કહ્યું કે વિરાટ કોહલી માટે એ સારું રહ્યું કે તેને વનડેની કેપ્ટનશિપમાંથી પણ હટાવી દેવામાં આવ્યો.
આનું કારણ જણાવતા તેણે કહ્યું, ‘તે તેના પ્રદર્શનમાં જ સુધારો કરશે, જે છેલ્લા કેટલાક સમયથી સારું નથી રહ્યું, કારણ કે તે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપને કારણે દબાણમાં છે. જે થયું તે સારું થયું. રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે મળીને ભારતીય ક્રિકેટને આગળ લઈ જઈ શકે છે.
વનડેમાં, કોહલીએ 95 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાં ભારતે 65 મેચ જીતી હતી, આ ઉપરાંત 27 મેચમાં ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ હવે દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણી રમશે. આ સિરીઝ સાથે રોહિત શર્મા વનડે કેપ્ટન તરીકે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગુરુવારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ મામલે મૌન તોડ્યું અને કહ્યું કે સફેદ બોલના બે અલગ-અલગ ફોર્મેટ માટે બે કેપ્ટન ન હોઈ શકે.
Published On - 5:43 pm, Sun, 12 December 21