જ્યારે 2021 T20 વર્લ્ડ કપ (2021 T20 World Cup) માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેમાં એક નામની ગેરહાજરીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ નામ શિખર ધવન (Shikhar Dhawan) નું હતું. ડાબોડી બેટ્સમેન શિખર ધવનને BCCI અને પસંદગીકારો દ્વારા UAE માં રમાનારી ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવ્યો નથી. કેએલ રાહુલ, રોહિત શર્મા અને ઇશાન કિશનને ટીમમાં ઓપનર તરીકે લેવામાં આવ્યા છે.
ધવને છેલ્લા બે વર્ષમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તેનું નામ T20 વર્લ્ડ કપ માટે નક્કી માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ચેતન શર્મા (Chetan Sharma) ની આગેવાની હેઠળની પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટે તેમનામાં વિશ્વાસ મૂક્યો નથી. તેના બદલે યુવા ખેલાડી ઇશાન કિશનને અજમાવવાનું નક્કી કર્યું. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ધવન માટે આ બીજો મોટો આંચકો છે. તેમના છૂટાછેડા વિશેની માહિતી 7 સપ્ટેમ્બરે જ જાહેર થઈ હતી.
T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત બાદ આ અંગે પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માને પૂછવામાં આવ્યું હતુ. તેમને પૂછાયુ હતુ કે ધવનને કેમ નથી લેવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે તે ખૂબ જ સારો ખેલાડી છે. તે ટીમની યોજનાનો ભાગ છે. તાજેતરમાં, તે કેપ્ટન તરીકે શ્રીલંકાના પ્રવાસે પણ ગયો હતો. પરંતુ T20 વર્લ્ડકપ માટે અમને અલગ પ્રકારના ખેલાડીની જરૂર હતી. જેથી કિશનને લઇ જવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, ધવનને લૂપમાં રાખવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં પાછા આવશે. કિશન તરીકે, અમને T20 વર્લ્ડ કપ માટે એક અલગ પ્રકારનો ખેલાડી મળી રહ્યો હતો. તેથી જ ધવનને આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા અન્ય સવાલોના જવાબ દરમિયાન ચેતન શર્માએ કહ્યું હતું કે, ઓપનર સાથે મિડલ ઓર્ડરમાં ઇશાન કિશનને પણ રમાડી શકાય છે. તે ટીમમાં ફ્લોટરની ભૂમિકામાં રહેશે.
2016 ની સિઝન બાદ શિખર ધવન IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સામેલ છે. આ દરમિયાન તેણે 501, 479, 497, 521, 618 રન બનાવ્યા. IPL 2021 ના પહેલા હાફમાં પણ તેણે આઠ મેચમાં 380 રન બનાવ્યા હતા. અગાઉ તેનો સ્ટ્રાઈક રેટ ઘણો નબળો હતો. પરંતુ છેલ્લી બે સીઝનથી તેણે તેના પર કામ પણ કર્યું છે. 2020 માં, જ્યારે UAE માં વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે ધવને બે સદી ફટકારી હતી અને 144.73 ની સરેરાશથી 618 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ફાઇનલમાં પહોંચવામાં તેમનું મહત્વનું યોગદાન હતું.
ધવનની T20 કારકિર્દી પર નજર કરીએ તો તેણે 68 મેચમાં 1759 રન બનાવ્યા છે. આ મેચોમાં તેના બેટમાંથી 11 અર્ધસદીઓ બહાર આવી છે. તેનો સ્ટ્રાઇક રેટ 126.36 રહ્યો છે.