
ACN બલ્ગેરિયા T20 ટ્રાઈ સિરીઝની એક મેચમાં રેકોર્ડબ્રેક રન બન્યા હતા. આ મેચ બલ્ગેરિયા અને જિબ્રાલ્ટર વચ્ચે રમાઈ હતી. ભલે બલ્ગેરિયાએ આ મેચ જીતી લીધી હોય, પરંતુ આ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ બોલરોને જોરદાર ફટકાર્યા હતા. આ મેચમાં 14.18 ના રન રેટથી રન બન્યા હતા, જે T20 ક્રિકેટમાં પહેલીવાર બન્યું છે.
આ પહેલા 2009માં ન્યુઝીલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે 13.76ના રન રેટથી રન બન્યા હતા. આ T20 મેચમાં કુલ 41 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અહીં બંને ઈનિંગ્સમાં 35 થી ઓછી ઓવરમાં 450 થી વધુ રન બન્યા હતા.
આ મેચમાં જિબ્રાલ્ટરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર ફિલ રેક્સે 33 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. એટલું જ નહીં, કેપ્ટન ઈયાન લેટિનએ 51 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. લુઈસ બ્રુસે 24 રનની ઈનિંગ રમી હતી જ્યારે ક્રિસ પીલે 22 રન બનાવ્યા. બલ્ગેરિયા માટે જેકબ ગુલે ચાર ઓવરમાં 37 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
લક્ષ્યનો પીછો કરતા બલ્ગેરિયાએ 15 ઓવરમાં જ આ મેચ જીતી લીધી. મનન બશીરે આક્રમક બેટિંગ કરતા 21 બોલમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 70 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. એટલું જ નહીં, ઓપનર ઈસા ઝારુએ 24 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રનની મૂલ્યવાન ઈનિંગ રમી. મિલાન ગોગેવે 69 રનનું યોગદાન આપ્યું. એટલું જ નહીં, કેપ્ટન ક્રિસ લાકોવે 19 રન બનાવ્યા. બલ્ગેરિયા માટે લુઈસ બ્રુસે ચાર ઓવરમાં 48 રન આપીને બે વિકેટ લીધી.
આ મેચમાં બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી. આ જીત સાથે, બલ્ગેરિયાને ચાર પોઈન્ટ મળ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જિબ્રાલ્ટર ભલે મેચ હારી ગયું હોય પરંતુ તેમના ચાર પોઈન્ટ પણ છે. ટીમનો નેટ રન રેટ બલ્ગેરિયા કરતા ઓછો છે અને તેથી જ તેઓ બીજા સ્થાને છે. તુર્કી આ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લઈ રહ્યું છે, જેણે બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું ખાતું ખુલ્યું નથી અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
આ પણ વાંચો: સારા તેંડુલકર મેચ જોવા માટે લંડન પહોંચી, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો