ભારતીય ક્રિકેટ ટીમ હવે આયર્લેન્ડનો પ્રવાસ કરનારી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના નિયમત હેડ કોચ જવાના નથી એ પહેલાથી જ નિશ્ચિત હતુ. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના રુપમાં નેશનલ ક્રિકેટ એકડમીના બેટિંગ કોચ સિતાંશુ કોટક જનાર છે એવા મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચા સામે આવી છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પ્રવાસમાં ત્રણ T20 મેચ રમનાર છે. 18 ઓગષ્ટથી ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 સિરીઝનો પ્રારંભ થનારો છે.
આમ તો રાહુલ દ્રવિડના વિકલ્પના રુપમાં નેશનલ ક્રિકેટ એકડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાની સાથે જતા હોય છે અને કોચની ભૂમિકા નિભાવતા હોય છે. પરંતુ આ વખતે ખાસ કારણોસર લક્ષ્મણને બદલે સિતાંશુ કોટકને તક મળી રહી હોવાના મીડિયા રીપોર્ટસ સામે આવ્યા છે. લક્ષ્મણ હાઈ પર્ફોમન્સ કેમ્પમાં વ્યસ્ત હોવાને લઈ આયર્લેન્ડના પ્રવાસે જઈ શકે એમ નથી.
કોચની ભૂમિકા નિભાવવા માટે ટીમ ઈન્ડિયા સાથે આયર્લેન્ડ જઈ રહેલા સિતાંશુ કોટક ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટ સાથે ક્રિકેટ રમી ચૂક્યા છે. સિંતાશુ હરગોવિંદભાઈ કોટકનો જન્મ રાજકોટમાં થયો હતો. 19 ઓક્ટોબરે તેઓએ વર્ષ 1972 માં જન્મ્યા હતા. 1992 થી 2012 સુધી સિતાંશુ કોટક સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ વતીથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે. સિંતાશુએ ક્રિકેટ કરિયરમાં 130 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 8061 રન, 89 લિસ્ટ A મેચોમાં 3083 રન અને 9 T20 મેચોમાં 133 રન બનાવ્યા છે. આ સિવાય તેના નામે 70 ફર્સ્ટ ક્લાસ, 54 લિસ્ટ A વિકેટ પણ છે.
સિંતાશુ કોટક સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમના કોચ રહેતા સૌરાષ્ટ્રે 2020ની રણજી ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તેઓ નેશનલ ક્રિકેટ એકડમીમાં બેટિંગ કોચ તરીકે નિમાયા હતા. રાહુલ દ્રવિડ એકડમીના ડાયરેક્ટર રહેવા દરમિયાન તે એનસીએ સાથે જોડાયા હતા. દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરિકે પસંદ થતા, વીવીએસ લક્ષ્મણ ડાયરેક્ટ પદ પર નિમણૂંક થયા હતા.
જસપ્રીત બુમરાહ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર પરત ફરી રહ્યો છે. બુમરાહની આગેવાનીમાં ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની ટી20 મેચની સિરીઝમાં ઉતરશે. ભારતીય ટીમ તરફથી અનેક નવા ચહેરા જોવા મળશે, યુવાનોને માટે મોટી તક સમાન આયર્લેન્ડ પ્રવાસ રહેશે.
Published On - 8:38 pm, Sun, 13 August 23