IPL 2023 થી RCB બહાર થઈ ચુક્યુ છે. વિરાટ કોહલીની સદી બાદ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચવાની આશાઓ બાંધીને બેઠુ હતુ, પરંતુ રવિવારની રાત્રીએ શુભમન ગિલે શાનદાર સદી વડે સપનાઓ પર પાણી ફેરવી દીધુ. ગુજરાત માટે ઔપચારીકતા સમાન મેચ હતી, પરંતુ બેંગ્લોર માટે જાણે મેચમાં જીવ ફસાયેલો હતો. મેચ 6 વિકેટથી બેંગ્લોર હાર્યુ અને સિઝનથી ઘર આંગણે જ વિદાય લેવી પડી હતી. બેગ્લોર માટે વિલન અને ગુજરાત માટે હિરોની ભૂમિકા નિભાવનારા શુભમન ગિલે મેચ બાદ જે કહ્યુ એ ચેન્નાઈ અને ધોની માટે લલકારથી કમ નથી.
ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનારી સિઝનની પ્રથમ ટીમ હતી. 14માંથી 10 મેચ જીતીને ટીમ 20 પોઈન્ટ્સ લીગ તબક્કાના અંતે ધરાવે છે. બેંગ્લોર સામેની હાર જીતથી ગુજરાતને માટે કોઈ જ ફરક પડવાનો નહોતો, પરંતુ જીત ટીમના આત્મવિશ્વાસને વધારે મજબૂત કરી શકે છે. આજ કામ ગુજરાતે બેંગ્લોર સામે રવિવારે કર્યુ હતુ. ઔપચારિકતા નહીં પરંતુ એક મેચના રુપમાં જીત એ જ લક્ષ્ય સાથે રમત દર્શાવીને બેંગ્લોરની આશાઓને ધોઈ નાંખી હતી. યુવા ઓપનર ગિલે શાનદાર 104 રન 52 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જેમાં તેમે 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
સિઝનમાં શુભમન ગિલ બીજા હાફમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની બેટિંગ વડે સૌને પ્રભાવિત કરી દીધા છે. બેંગ્લોર સામેની તેની સદી સૂઝબૂઝ અને ટીમને રન અને વિકેટની જરુરીયાતની સમજણ સાથેની રમત બતાવી હતી. ગિલે મેચ બાદ કહ્યુ હતુ કે, “હવે હું મારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં સક્ષમ છું, જે હું IPL ના પહેલા હાફમાં કરી શક્યો ન હતો. મેં પહેલા હાફમાં 40-50 રન બનાવ્યા પરંતુ તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો નહીં. સદભાગ્યે, IPL 2023 ના બીજા હાફમાં, હું હવે આમ કરી રહ્યો છું.”
ચેન્નાઈ સામેની મેચ પહેલા ગિલે મોટી વાત કરી દીધી છે. ગિલે બતાવ્યુ હતુ કે, તેઓ ચેન્નાઈને હરાવીને ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવશે. ગિલે કહ્યુ હતુ કે “ચેન્નાઈ સામે ચેન્નાઈમાં રમવું રસપ્રદ રહેશે. અમે તેને જીતવા અને બીજી વખત ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું.”
Published On - 9:29 am, Mon, 22 May 23