
સ્કોટલેન્ડ ક્રિકેટે ICC ટુર્નામેન્ટની બહાર અફઘાનિસ્તાન સાથેના તમામ દ્વિપક્ષીય સંબંધો તોડી નાખ્યા છે. તાલિબાન સરકાર દ્વારા મહિલાઓ અને છોકરીઓ સાથે કરવામાં આવતા વર્તન અને માનવ અધિકારોની વ્યાપક ચિંતાઓને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંચાલક મંડળ ICC ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સાથે રમવાનું ચાલુ રાખશે, પરંતુ જ્યાં સુધી દેશમાં મહિલા ક્રિકેટ અને મહિલા અધિકારીઓની સ્થિતિમાં ફેરફાર ન થાય ત્યાં સુધી દ્વિપક્ષીય શ્રેણી અથવા ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે નહીં.
ક્રિકેટ સ્કોટલેન્ડ બોર્ડે તાજેતરની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. બેઠક પછી, બોર્ડે જણાવ્યું હતું કે, ” જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ અને માનવ અધિકારોની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર ન થાય ત્યાં સુધી ક્રિકેટ સ્કોટલેન્ડ અફઘાનિસ્તાન પુરુષ ટીમ સાથે દ્વિપક્ષીય શ્રેણી કે ત્રિકોણીય શ્રેણી રમશે નહીં.”
સ્કોટલેન્ડ ક્રિકેટે જણાવ્યું હતું કે આ નિર્ણય રમતમાં મહિલાઓ અને છોકરીઓની ભાગીદારી વધારવા અને અફઘાનિસ્તાનમાં માનવતાવાદી પરિસ્થિતિ અંગેની ચિંતાઓને કારણે લેવામાં આવ્યો છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી દેશમાં મહિલા સ્પોર્ટ્સ લગભગ પડી ભાંગી છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓને શિક્ષણ અને રોજગારથી વંચિત રાખવામાં આવ્યા છે. મહિલા અને છોકરીઓના ક્રિકેટને પ્રોત્સાહન અને વિકાસ ક્રિકેટ સ્કોટલેન્ડની ચાર વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાંની એક છે.
સ્કોટલેન્ડ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પણ આવા જ નિર્ણયો લીધા છે. મહિલાઓના અધિકારો અંગે ચિંતાઓને લઈને તેમણે અફઘાનિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો પણ સ્થગિત કરી દીધા છે. તાલિબાન સરકાર કહે છે કે તે ઇસ્લામિક કાયદા અને સ્થાનિક રિવાજો અનુસાર મહિલાઓના અધિકારોનું સન્માન કરે છે, અને આંતરિક બાબતોનો ઉકેલ સ્થાનિક સ્તરે જ આવવો જોઈએ.