
IPL 2023 ની 24 મેચ સમાપ્ત થઈ ચુકી છે. સોમવારે આ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ ખૂબ જ જબરદસ્ત રહી હતી. બંને ટીમના બેટરોએ ખૂબ છગ્ગા ફટકાર્યા હતા. બેંગ્લોરે ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. ચેન્નાઈએ ટોસ હારીને ડેવોન કોનવે અને શિવમ દુબેની તોફાની અડધી સદી વડે 226 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાને નોંધાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ વતી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે તોફાની રમત રમી હતી. જોકે તેમની રમત એળે ગઈ હતી અને 8 રનથી બેંગ્લોરનો પરાજય થયો હતો.
ચેન્નાઈએ બેંગ્લોર સામે વિશાળ સ્કોર ખડકવાનુ મન બનાવી લીધુ હતુ. આ જ પ્રમાણેની રમત તેના બેટરોએ પ્રથમ બેટિંગ કરતા દર્શાવી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઝડપથી આઉટ થવા છતાં પણ ડેવોન કોનવે અને શિવમ દુબેએ રમત સંભાળી હતી. આમ શાનદાર રમત વડે ચેન્નાઈએ મોટો સ્કોર ખડક્યો હતો. જોકે ચેન્નાઈ માટે આ સ્કોર બચાવવો એ મોટો પડકાર રહ્યો હતો.
બેંગ્લોરની ટીમે વિરાટ કોહલીની વિકેટ પ્રથમ ઓવરમાં ગુમાવવા છતાં કોઈ જ દબાણનો અનુભવ કર્યો નહોતો. બીજે છેડે રહેલા ઓપનર ફાફ ડુ પ્લેસિસે ટીમને સંભાળી રાખીને તોફાની રમત રમી હતી. વિરાટ કોહલી પ્રથમ ઓવરના ચોથા બોલ પર 6 રન ગુમાવીને વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ મહિપાલ લોરરોર શૂન્ય રને જ પરત ફર્યો હતો. આમ બે ઓવરમાં જ બે મોટી વિકેટ બેંગ્લોરે ગુમાવી હતી. જોકે બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને મેક્સવેલે ધમાલ મચાવી હતી. ફાફે 4 છગ્ગા અને 5 ચોગ્ગા વડે 33 બોલમાં 62 રન નોંધાવ્યા હતા. મેક્સવેલ 36 બોલમાં ગ્લેન મેક્સવેલે 76 રન નોંધાવ્યા હતા. મેક્સવેલે 8 છગ્ગાની આતશી ઈનીંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા.
શાહબાઝ અહેમદ 10 બોલમાં 12 રન નોંધાવ્યા હતા. દિનેશ કાર્તિકે 28 રન 14 બોલમાં નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને 3 ચોગ્ગા વધાર્યા હતા. બેંગ્લોરે કાર્તિકની વિકેટ બાદ સિરાજના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પ્રભુદેસાઈને મેદાને ઉતાર્યો હતો. સુયશ પ્રભુદેસાઈએ 19 રન અને વેન પાર્નેલે 2 રન નોંધાવ્યા હતા. હસારંગા 2 રન સાથે અણનમ રહ્યો હતો. બેંગ્લોરે 218 રન 8 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 11:16 pm, Mon, 17 April 23