પાકિસ્તાન વિરૂદ્ધ પ્લેઈંગ ઈલેવન પર રોહિત શર્માએ કહ્યું, છેલ્લી ઘડીએ મોટો નિર્ણય લેવાશે

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન સાથે જોડાયેલા સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે છેલ્લી ઘડીએ નિર્ણય લેવામાં આવશે. આટલું જ નહીં, તેણે જેટલી મેચ, એટલા ફેરફારો વિશે પણ વાત કહી હતી. ભારત પાકિસ્તાન સામે વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે.

પાકિસ્તાન વિરૂદ્ધ પ્લેઈંગ ઈલેવન પર રોહિત શર્માએ કહ્યું, છેલ્લી ઘડીએ મોટો નિર્ણય લેવાશે
Rohit Sharma said Playing eleven will be selected at the last moment for T20 World Cup 2022
| Edited By: | Updated on: Oct 22, 2022 | 4:52 PM

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરવાનું છે. આ મહત્વપૂર્ણ મેચ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોહિત શર્માએ મેલબોર્નમાં સતત બીજા દિવસે પ્રેક્ટિસ સેશન પહેલા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જ્યાં તેણે ટીમ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. સાથે જ ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે પણ મોટા સંકેતો આપ્યા હતા. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન સાથે જોડાયેલા સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે છેલ્લી ઘડીએ નિર્ણય લેવામાં આવશે.

આટલું જ નહીં, તેણે દરેક મેચની પહેલા ઘણા ફેરફારો વિશે પણ વાત કરી હતી. રોહિત શર્માએ મેલબોર્નમાં પ્રેક્ટિસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે ICC ખિતાબની રાહ સમાપ્ત કરવી તેની ટીમ માટે એક મોટો પડકાર છે, પરંતુ ભારતીય ટીમ દબાણ વગર વિશ્વ કપ માટે તૈયાર છે. તેણે કહ્યું કે કોઈપણ ટીમ 100% પરફેક્ટ નથી હોતી, દરેકમાં કેટલીક ખામીઓ હોય છે. અમે તે ખામીઓ અમારી માટે પડકારરૂપ ન થાય તે માટે પ્રયાસ કરીશું.

છેલ્લી ઘડીએ ટીમની પસંદગી કરવામાં આવશે

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને રોહિત શર્માએ કહ્યું કે તે મેચના દિવસે મેલબોર્નના હવામાનને ધ્યાનમાં લઈને તેના પર નિર્ણય લેશે. તેણે કહ્યું કે તે પ્લેઈંગ ઈલેવનની પસંદગી માટે છેલ્લી ઘડી સુધી રાહ જોશે. ત્યારબાદ ટીમના ખેલાડીઓ પર નિર્ણય લઈશું.

દરેક મેચમાં એક કે બે ફેરફારથી વાંધો નહીં: રોહિત

ટીમની પ્લેઈંગ ઈલેવન અંગે રોહિતે કહ્યું, “અમે ફેરફાર કરવાથી ડરવાના નથી. દરેક મેચમાં એક કે બે ફેરફાર થઈ શકે છે. તે બધુ સ્થિતિ અને પીચ પર નિર્ભર રહેશે.” તેણે વધુમાં કહ્યું, “એવો સમય પણ આવે છે જ્યારે અમને અન્ય ટીમો વિશે વધુ ખબર હોતી નથી કે આ સમયે તે કેવું પ્રદર્શન કરશે. આવી સ્થિતિમાં આપણે સમજદારીપૂર્વક ટીમની પસંદગી કરવાની હોય છે.”

ICC ટાઈટલની રાહનો અંત લાવવાનો પડકાર

તમને જણાવી દઈએ કે ભારતે છેલ્લા એક વર્ષમાં T20 ક્રિકેટમાં 29 ક્રિકેટરોને અજમાવ્યા છે, ત્યારબાદ ભારતે T20 વર્લ્ડ કપ 2022ની ટીમ પસંદ કરી છે. આ વખતે ટીમના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્મા એન્ડ કંપની ICC ટૂર્નામેન્ટમાં 9 વર્ષની ખિતાબની રાહનો અંત લાવવામાં સફળ રહેશે.