T20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યા બાદ હિટમેન રોહિત શર્મા (Rohit Sharma) આખરે પોતાની લયમાં આવી ગયો. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે 74 રન બનાવ્યા હતા. 47 બોલની આ ઈનિંગમાં રોહિત શર્માએ 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 157.45 હતો. રોહિત શર્માએ કેએલ રાહુલ (KL Rahul) સાથે મળીને પ્રથમ વિકેટ માટે 140 રન જોડ્યા અને તેના આધારે ટીમ ઈન્ડિયા (Team India) એ 20 ઓવરમાં 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલી અડધી સદીની ઇનિંગ ઘણી ખાસ છે.
વાસ્તવમાં, રોહિત શર્માએ દિવાળીના એક દિવસ પહેલા આ ઇનિંગ રમી છે અને આ પાંચમી વખત છે. જ્યારે રોહિત શર્માએ દિવાળીના એક દિવસ પહેલા બોલરોનુ દેવાળુ નિકાળ્યુ છે. રોહિત શર્માને દિવાળી ખૂબ જ પસંદ છે અને આ પહેલા તે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા જેવી ટીમો સામે આતશબાજી કરી ચૂક્યો છે.
રોહિત શર્માએ દિવાળી પહેલા વર્ષ 2013માં પ્રથમ વખત રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 209 રનની ઇનિંગ રમી હતી. આ પછી વર્ષ 2016માં રોહિતે ફરી એકવાર દિવાળી પહેલા ફટાકડા ફોડ્યા હતા. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ODI મેચમાં 70 રન બનાવ્યા હતા.
વર્ષ 2018માં રોહિત શર્માએ દિવાળી પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં 111 રન બનાવ્યા હતા. વર્ષ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ 212 રન બનાવ્યા હતા. આ મેચ પણ દિવાળી પહેલા થઈ હતી. અને હવે રોહિત શર્માએ દિવાળી પહેલા અફઘાનિસ્તાન સામે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું.
રોહિત શર્મા અને કેએલ રાહુલે અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બંને બેટ્સમેનોએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 140 રન જોડ્યા હતા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે બે ભારતીય ઓપનરોએ અડધી સદી ફટકારી હોય.
આ પહેલા વર્ષ 2007માં સેહવાગ અને ગંભીરની જોડીએ આ કારનામું કર્યું હતું. રોહિત અને રાહુલ બાદ હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે પણ ભારતની રમતને 200ની પાર પહોંચાડી હતી. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારત 200થી વધુ સ્કોર કરનાર પ્રથમ ટીમ છે.