વિશ્વકપ બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની શરુઆત થઈ છે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ટીમનુ સુકાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે. સૂર્યાએ ટીમ ઈન્ડિયાની જીત માટે મહત્વની ઈનીંગ રમી હતી. જોકે રિંકૂ સિંહ પણ નાની છતાં પણ મહત્વની ઈનીંગ રમીને અંત સુધી ઉભો રહ્યો હતો. સૂર્યા અને ઈશાને જીત સુધી ટીમને લઈ જવાની મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ, રિંકૂએ જીત અપાવવાની રોલની જવાબદારી નિભાવવાની હતી. જોકે અંતમાં રિંકૂએ ફટકારેલી શાનદાર સિક્સર ટીમના સ્કોર બોર્ડમાં ઉમેરાઈ નહોતી. કેમ ના ઉમેરાઈ એ સવાલ સૌને થઈ રહ્યો છે.
ભારત સામે 209 રનનુ લક્ષ્ય હતુ. શરુઆતમાં જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિ સૂર્યા અને ઈશાન કિશને રમતને સંભાળીને બંનેએ મળીને મહત્વની ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે 100 રન કરતા વધુની નોંધાયેલી ભાગીદારી રમતે જ ટીમને જીત અપાવવામાં મહત્વનુ કામ કર્યુ હતુ.
અંતિમ ઓવર ભારતીય ટીમને 6 બોલમાં 7 રનની જરુર હતી. અંતિમ ઓવરના પ્રથમ બોલ પર રિંકૂ સિંહે સીન એબોટના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હવે પાંચ બોલમાં ભારતને જીત માટે માત્ર 3 જ રનની જરુર હતી, પરંતુ આગળના પાંચના બોલ જબરદસ્ત રોમાંચ બની ગયા હતા. ભારતીય ટીમને આગળના બોલ પર 1 રન મળ્યો હતો. ત્રીજા બોલ પર અક્ષર પટેલે વિકેટ ગુમાવી દીધી હતી, તે કેચ આઉટ થયો હતો. આગળના બે બોલ પર વધુ બે વિકેટ રન આઉટના રુપમાં ગુમાવી હતી. જેમાં પાંચમાં બોલે રન આઉટ થવા સાથે 2 રન દોડવાના પ્રયાસમાં 1 રન મળ્યો હતો. આમ અંતિમ બોલ પર ભારતે જીત માટે 1 રનની જરુર હતી.
આમ અંતિમ બોલ પર રિંકૂ સિંહે પોતાની અદા મુજબ જ શાનદાર છગ્ગો લોંગ ઓન પર ફટકાર્યો હતો. જે વિજયી છગ્ગા પર સૌ ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા હતા. રોમાંચક અંતિમ પાંચ બોલ બાદ ભારતે વિજયી સિક્સર સાથે જીત મળ્યાની ખુશી હતી. પરંતુ અંપાયરના એક ઈશારાએ માહોલ મૂંઝવી નાંખ્યો હતો, જોકે જીતની ખુશી વર્તાઈ રહી હતી.
અંતિમ બોલ સીન એબોટ લઈને આવ્યો હતો. તેણે અંતિમ બોલ પર વિનિંગ સિક્સર ફટકારવાનો સફળ પ્રયાસ કરીને બોલને લોંગ ઓન તરફ સ્ટેન્ડમાં મોકલી દીધો હતો. પરંતુ આ બોલ પર બોલર એબોટનો પગ ઓવર સ્ટેપ હતો અને આમ નો બોલ જાહેર થયો હતો.
What A Game!
What A Finish!
What Drama!
1 run to win on the last ball and it’s a NO BALL that seals #TeamIndia‘s win in the first #INDvAUS T20I!
Scorecard ▶️ https://t.co/T64UnGxiJU @IDFCFIRSTBank pic.twitter.com/J4hvk0bWGN
— BCCI (@BCCI) November 23, 2023
ભારતને જીત માટે જરુરી એક રન તો નો બોલના એક્સ્ટ્રા રનથી મળી ગયા પરંતુ છગ્ગો ટીમના સ્કોરમાં જમા થઈ શક્યો નહીં. સાથે જ રિંકૂ સિંહના ખાતામાં પણ છગ્ગો જમા ના થયો અને તેનો સ્કોર 28 થવાને બદલે 22 પર જ અટકી ગયો હતો.નિયમોનુસાર નો બોલને કારણે એક્સ્ટ્રા રન સ્કોરમાં જમા થતા જ વિનિંગ રન ભારતે કરી લીધા હતા. આમ છગ્ગો ગણતરીમાં લઈ શકાયો નહોતો.
Published On - 4:07 pm, Fri, 24 November 23