ટીમ ઈન્ડિયાના અલગ અલગ કેપ્ટન હશે? રાહુલ દ્રવિડે આપ્યો જવાબ

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપ બાદથી એક વાતની ચર્ચા સતત મીડિયા રિપોર્ટસમા થતી રહી છે કે, ટી20 ફોર્મેટ માટે ભારતીય ટીમનો સુકાની અલગ હશે. જાન્યુઆરીમાં ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપાઈ છે.

ટીમ ઈન્ડિયાના અલગ અલગ કેપ્ટન હશે? રાહુલ દ્રવિડે આપ્યો જવાબ
Rahul Dravid spoke on split captainship
| Edited By: | Updated on: Jan 23, 2023 | 10:41 PM

છેલ્લા કેટલાક સમયથી એક સવાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે, મર્યાદીત ઓવરના ફોર્મેટમાં બે અલગ અલગ કેપ્ટન ભારતીય ટીમ માટે હોઈ શકે છે. એટલે કે ટી20 માટે અને વનડે ક્રિકેટ ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન નિમવામાં આવી શકે છે. ખાસ કરીને આ ચર્ચા ઓસ્ટ્રેલિયામાં રમાયેલ T20 વિશ્વકપ બાદ થી તુરત શરુ થઈ હતી. ટીમ ઈન્ડિયા T20 વિશ્વકપ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી શકી નહોતી. ત્યાર બાદ BCCI એ આકરુ વલણ દર્શાવતા નિર્ણયો લેવાની શરુઆત કરવામાં આવી હતી. ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચને અલગ અલગ કેપ્ટનશિપને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. દ્રવિડે જવાબ પણ કંઈક એવો દર્શાવ્યો કે, સ્થિતી અસમંજસ ભરી બની ગઈ.

ટીમ ઈન્ડિયાને આગામી T20 વિશ્વકપમાં સફળતા મળે એ માટે અત્યારથી જ BCCI દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હાર્દિક પંડ્યાને પહેલા શ્રીલંકા અને બાદમાં ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝના સુકાની તરીકેને જવાબદારી બોર્ડે સોંપી છે. આમ આ ચર્ચાઓને થોડુ જોર મળ્યુ છે.

દ્રવિડે કહ્યુ-મને જાણકારી નથી

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસે છે. 1 ફેબ્રુઆરીએ પ્રવાસની અંતિમ મેચ રમશે, ત્યાર બાદ તે પરત ફરશે. ભારત પ્રવાસની શરુઆત ન્યુઝીલેન્ડની ટીમે વનડે સિરીઝથી કરી હતી. જેમાં રોહિત શર્મા ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે. ત્યાર બાદ હવે આગામી 27 જાન્યુઆરીથી ટી20 મેચની શરુઆત થશે. ઈન્દોરમાં મંગળવારે રમાનારી વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ પહેલા સોમવારે પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ અલગ કેપ્ટન નિયુક્ત કરવાને લઈ સવાલ કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે સવાલ થતા જ કહી દીધુ કે, “મને આ અંગે જાણકારી નથી. આ સવાલ તો તમારે પસંદગીકારોને પૂછવો જોઈએ, જોકે મને અત્યાર સુધી નથી લાગી રહ્યુ કે આવુ છે.” હવે દ્રવિડની આ વાત સાથે જ અસમંજસ એવાતની સર્જાઈ કે, ક્યા પ્લાનિંગ સાથે બોર્ડ આગળ વધી રહ્યુ છે. કારણ કે કોચને જ સ્થિતી સ્પષ્ટ નથી. તો વળી રાહુલે એ પણ બતાવ્યુ હતુ કે, રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને ટી20 ક્રિકેટમાં આરામ આપવામાં આવી રહ્યો છે. મતલબ હાર્દિક પંડ્યા હજુ પૂર્ણ રીતે કેપ્ટનશિપ મેળવી શક્યો નથી. જોકે વનડેમાં ટીમનો હાર્દિકને વાઈસ કેપ્ટન જરુર નિમવામાં આવ્યો છે.

 

Published On - 10:30 pm, Mon, 23 January 23