પૃથ્વી શો (Prithvi Shaw) ને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય કહેવામાં આવતો હતો. તેની કપ્તાની હેઠળ ભારતની અંડર-19 ટીમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ જ્યારે તે 2018માં પાછો ફર્યો ત્યારે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે તે જ વર્ષે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી તે ટેસ્ટ મેચમાં સદી પણ ફટકારી હતી. પરંતુ ત્યારબાદ શોની કારકિર્દીનો ગ્રાફ વધવાને બદલે નીચે ગયો અને હવે તેણે ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા પૃથ્વી શો કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યો છે અને પહેલી જ મેચમાં શાનદાર ઇનિંગ રમી છે. પૃથ્વી શો ઈંગ્લેન્ડની કાઉન્ટી નોર્થમ્પટનશાયર તરફથી રમવા માટે પહોંચ્યો છે. શોએ આ કાઉન્ટી સાથે તેની પહેલી જ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી અને અડધી સદી ફટકારી હતી.
Getting straight down to business. 💪
A rapid 65 off just 39 balls for Prithvi in the 2XI this morning. 🤩 pic.twitter.com/5gOxJJj9ZS
— Northamptonshire CCC (@NorthantsCCC) August 1, 2023
નોર્થમ્પટનશાયરની બીજી XI ટીમનો સામનો લંડન સ્કૂલ સામે થયો હતો. શોએ આ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી અને પોતાની તોફાની શૈલી બતાવીને ટીમના મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. શોએ આ મેચમાં 39 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે હસન આઝાદ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી. શો 65ના સ્કોર પર આઉટ થયો હતો. જ્યારે આઝાદે આ મેચમાં સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા નોર્થમ્પટનશાયરની ટીમે 305 રન બનાવ્યા હતા.
ભારતે આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામે T20 સીરિઝ રમી હતી જેમાં શોની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તે પ્લેઈંગ-11માં સ્થાન મેળવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને તેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ મળી છે. પૃથ્વી શોને તે ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. આ ટીમમાં ઘણા દિગ્ગજોને આરામ મળ્યો છે છતાં પૃથ્વી શોને હજુ તક મળી નથી.