પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદને તેની જ ટીમે છોડી દીધો, જાણો હવે કઈ ટીમ તરફથી રમશે

ODI વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફારો થયા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપી દીધું હતું અને શાન મસૂદને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન પહેલા મસૂદની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને નવી ટીમ મળી છે.

પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદને તેની જ ટીમે છોડી દીધો, જાણો હવે કઈ ટીમ તરફથી રમશે
Shan Masood
| Updated on: Dec 08, 2023 | 11:09 AM

ODI વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાનમાં હોબાળો થયો હતો. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફેરફાર કરવા મક્કમ હતું. એવા અહેવાલ હતા કે બોર્ડ બાબર આઝમને માત્ર ટેસ્ટ કેપ્ટનશિપ આપવા માંગે છે. આ પછી બાબરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં શાન મસૂદને ટેસ્ટ ટીમની અને શાહીન શાહ આફ્રિદીને T20 ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. મસૂદને લઈને પાકિસ્તાનમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ટીમે મસૂદને છોડી દીધો

પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝનની તૈયારીઓ ચાલી રહી છે અને આ માટે ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી છે. મસૂદને તેની ટીમે છોડી દીધો છે. જો કે આ ખેલાડીને તેની નવી ટીમ મળી છે. આ પછી, આ લીગના ડ્રાફ્ટ્સ હશે જેમાં ફ્રેન્ચાઈઝી તેમની પસંદગીના ખેલાડીઓને ખરીદશે, પરંતુ આ પહેલા ટ્રેડિંગમાં ઘણા મોટા ખેલાડીઓ સાથે ડીલ કરવામાં આવી છે. તેમાં માત્ર શાન મસૂદનું નામ જ નહીં પરંતુ પાકિસ્તાનના તોફાની ઓપનર ફખર ઝમાન અને ફાસ્ટ બોલર નસીમ શાહનું નામ પણ છે.

મસૂદ કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરશે!

મસૂદ ગત સિઝનમાં મુલ્તાન સુલ્તાન તરફથી રમ્યો હતો. પરંતુ આ ટીમે મસૂદને છોડી દીધો છે. મુલતાને કરાચી કિંગ્સ સાથે મસૂદનો ટ્રેડ કર્યો છે. મસૂદે વર્ષ 2020માં મુલતાનની કેપ્ટનશીપ કરી હતી. તે મુલતાનનો ભાગ હતો જેણે વર્ષ 2021માં PSL જીતી હતી. આ વર્ષે તેણે સાત મેચમાં 209 રન બનાવ્યા હતા અને તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. મસૂદ હવે કરાચી કિંગ્સ તરફથી રમશે. તેની જગ્યાએ મુલ્તાને ફૈઝલ અકરમને ટીમે ખરીદ્યો છે. એવી આશા છે કે મસૂદ પીએસએલની આગામી સિઝનમાં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

નસીમ શાહ અને ફખર ઝમાનનું શું થયું?

આ સિવાય ક્વાયટ ગ્લેડીયેટર્સે તોફાની ઝડપી બોલર નસીમ શાહને છોડી દીધો છે. તેના સ્થાને આ ટીમે અબરાર અહેમદ અને મોહમ્મદ વસીમ જુનિયરનો ટ્રેડ કર્યો છે. જ્યારે શાહીન શાહ આફ્રિદીની કપ્તાનીવાળી લાહોર કલંદર્સે તોફાની બેટ્સમેન ફખર ઝમાનને રીલીઝ કરી દીધો છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેમને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.

આ પણ વાંચો: કોહલી-ગંભીરનો ઝઘડો, વર્લ્ડ કપમાં પિચ પર સવાલો, 2023ના 5 મોટા વિવાદો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો