ભારતમાં આગામી 5 ઓક્ટોબરથી ICC ODI વિશ્વ કપ યોજાનાર છે. ક્રિકેટ જગતની આ પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની પ્રેકટીસ મેચનો પ્રારંભ આગામી 29મી સપ્ટેમ્બરથી યોજાશે જ્યારે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે યોજાશે. ICC ODI વિશ્વ કપ માટે ભારત ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ હોટ ફેવરિટ માનવામાં આવે છે. ભારતે એશિયાકપ 2023 જીત્યા બાદ, ફરી એકવાર ઘર આંગણે ODI વર્લ્ડ કપ જીતવાની સારી તક રહેલી છે. અગાઉ ભારતે 2011માં ઘરઆંગણે રમાયેલ વિશ્વ કપ જીત્યો હતો.
ICC ODI વિશ્વ કપ માટે ભારત આવનાર મોટાભાગની તમામ ટીમના ખેલાડીઓને ભારતના વિઝા મળી ગયા છે. પરંતુ હજુ સુધી બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત સરકાર તરફથી વિઝાની મંજૂરી મળી નથી. ભારતના વિઝા ના મળતા પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો દુબઈમાં કેમ્પ કરવાના પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. ICC ODI વિશ્વ કપ પહેલા પાકિસ્તાનને આ મોટો ઝટકો માનવામાં આવે છે.
રમતજગત સાથે સંકળાયેલ એજન્સી ઇએસપીએનના અહેવાલ અનુસાર, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની પહેલા યોજના એવી હતી કે, તેના બધા ખેલાડીઓ પ્રી-વર્લ્ડ કપ કેમ્પ માટે દુબઈ જવાના હતા. જ્યા કેમ્પ કર્યાં બાદ તેઓ બધા ભારતના હૈદરાબાદ જવા માટે ફ્લાઇટમાં રવાના થવાના હતા.
ભારતમાં ICC ODI વિશ્વ કપ માટે બાબર આઝમ એન્ડ કંપની યુએઈ જવાની હતી. જ્યા થોડા દિવસ પ્રેકટીસ કર્યા બાદ ટીમ ભારત આવવાની હતી. પરંતુ હવે હજુ સુધી ભારતના વિઝા ના મળતા પાક્સ્તાિનની આ યોજના ધૂળધાણી થઈ ગઈ છે. હજુ સુધી પાકિસ્તાન ટીમને ભારત આવવા માટેના વિઝાને લીલી ઝંડી આપવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સપ્તાહ પહેલા વિઝા માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી તેને ભારત સરકારની મંજૂરી આપવામાં આવી નથી.
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. 9 વિદેશી ટીમોમાંથી માત્ર પાકિસ્તાનને જ હજુ સુધી વિઝા મળ્યા નથી. હવે પાકિસ્તાન ટીમના વિઝામાં વિલંબથી તેમની તૈયારી પર પણ અસર પડી શકે છે. પાકિસ્તાનની ટીમછેલ્લા 10 વર્ષમાં T20 વર્લ્ડ કપ રમવા માટે વર્ષ 2016માં ભારત આવી હતી. છેલ્લી વખત પાકિસ્તાનની ટીમ, ટીમ ઈન્ડિયા સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ભારત આવી હતી તે વર્ષ 2012-13માં હતી. ત્યારથી, બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ન્યુઝીલેન્ડ સામે 29 સપ્ટેમ્બરે પ્રેક્ટિસ મેચ છે, જ્યારે આ પછી 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પણ પ્રેક્ટિસ મેચ છે.