પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બદલાઈ શકે છે. બાબર આઝમ હવે પાકિસ્તાનનો સુકાની નહીં હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી સિરીઝમાં નવો જ કેપ્ટન જોવા મળી શકે છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ સુકાન શાહીન શાહ આફ્રિદીને સોંપવામાં આવી શકે છે. આ માટે શાહીનને ફોન દ્વારા જાણકારી પણ ચુકી હોવાનો દાવો થયો છે. PCB ના ચેરમેન નજમ શેઠીએ શાહીન સાથે ફોન પર વાતચિત કરી લીધી છે. આમ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમનુ સુકાન શાહીન સંભાળતો નજર આવી શકે છે. હાલમાં જ તેની ટીમ પાકિસ્તાન સુપર લીગમાં સૌથી ટોપ પર ચાલી રહી છે. જેને લઈ શાહીને પોતાની કેપ્ટનશિપ વડે સૌને પ્રભાવિત કર્યા છે.
બાબર આઝમને લઈ છેલ્લા કેટલાક સમયથી ટીમના પ્રદર્શનને લઈ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં PSL માં પણ તેની ટીમે વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં હારનો સામનો કરતા ફરી એકવાર ટીકાકારોને મોકો મળ્યો હતો કે, વિશાળ લક્ષ્યને બચાવી શકવામાં સફળ રહ્યો નહોતો. જોકે હવે નેશનલ ટીમ માટે પાકિસ્તાનમાં કેપ્ટનનો વિકલ્પ નક્કી થઈ ચુક્યો હોવાની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે અને હવે એ વાતના દાવાઓ પણ કરવામાં આવ્યા છે.
રીપોર્ટનુ માનવામાં આવે તો એમ કહેવામાં આવી રહ્યુ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નજમ શેઠીએ જ ખુદ શાહીન શાહ આફ્રિદીને ફોન કર્યો હતો. તેઓએ શાહીન સમક્ષ સુકાન સંભાળવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન શાહીને શેઠી પાસે થોડોક સમય નિર્ણય લેવા અંગે માંગ્યો હતો. બાદમાં શાહીને આ અંગેની તૈયારી દર્શાવી હતી.
ડેલી પાકિસ્તાને અહેવાલોને ટાંકીને કહ્યું કે, “PCB અધ્યક્ષે શાહીન આફ્રિદી સાથે ફોન પર વાત કરી અને તેને પાકિસ્તાનનો કેપ્ટન બનવાની ઓફર કરી.” સમાચાર મુજબ, નજમ સેઠી તરફથી મળેલી આ ઓફરને શાહીને પણ સ્વીકારી લીધી છે.”
આ દરમિયાન હવે બાબર આઝમ પણ અંધારામાં રહ્યો હોય એવી સ્થિતી સામે આવી છે. બાબર ખુદ જ આ મામલામાં પોતાની પ્રતિક્રિયા રજૂ કરી ચૂક્યો છે. જે મુજબ તેને આ અંગેની કોઈ જાણકારી નથી. તેણે કહ્યું, “તેમને શાહીન શાહ આફ્રિદીને કેપ્ટન બનાવવામાં કોઈ વાંધો નથી પરંતુ પીસીબીએ તેને આ વિશે જણાવવું જોઈતું હતું.”
રિપોર્ટસ મુજબ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં બોર્ડ વર્તમાન સુકાની બાબર આઝમને આરામ આપવાના મૂડમાં છે. બોર્ડ દ્વારા બાબરને જો આરામનો નિર્ણય લેવામાં આવે છે તો, સુકાન શાહીનના હાથમાં રહેશે એ વાત પાક્કી માનવામાં આવી રહી છે. 24 માર્ચથી શરુ થનારી 3 મેચોની આ સિરીઝ માટેની પસંદગી માટેની પ્રક્રિયા લાહોરમાં થનારી છે. જેમાં સઈમ અયૂબ, આઝમ ખાન., એહસાનુલ્લાબ અને ઈમાદ વસીમને મોકો મળી શકે છે.