PAK vs SA Match Report: પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ભારતને સેમિફાઈનલમાં પહોંચવા માટે જીતવી પડશે મેચ

ICC Men T20 World Cup Pakistan vs South Africa Match Report: પાકિસ્તાનની (Pakistan) આ ટૂર્નામેન્ટમાં માત્ર બીજી જીત છે અને તેને 4 પોઈન્ટ મળ્યા છે. આ પરિણામથી દક્ષિણ આફ્રિકાને ઝટકો લાગ્યો છે, જ્યારે ભારતીય ટીમ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી અને તેને છેલ્લી મેચ જીતવી પડશે.

PAK vs SA Match Report: પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ભારતને સેમિફાઈનલમાં પહોંચવા માટે જીતવી પડશે મેચ
pakistan-cricket-team
| Edited By: | Updated on: Nov 03, 2022 | 6:35 PM

ટી 20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલની રેસ રોમાંચક બની ગઈ છે અને પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવામાં સફળ રહ્યું છે. 3 નવેમ્બર ગુરુવારે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને વરસાદની મદદથી દક્ષિણ આફ્રિકાને 33 રન (ડકવર્થ-લુઈસ નિયમ)ના મોટા માર્જિનથી હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાનના 4 પોઈન્ટ્સ થઈ ગયા છે, જેના આધારે પાકિસ્તાન છેલ્લી મેચ સુધી પોતાની આશા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. બીજી તરફ આ પરિણામથી દક્ષિણ આફ્રિકાને ઝટકો લાગ્યો છે, જ્યારે ભારતીય ટીમ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી અને તેને છેલ્લી મેચ જીતવી પડશે.

પાકિસ્તાનના વાઈસ-કેપ્ટન શાદાબ ખાનના જબરદસ્ત ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 1999થી ચાલી રહેલો જીતનો દોર ચાલુ રાખ્યો છે. આ પહેલાની ઘણી ટૂર્નામેન્ટની જેમ ફરી એકવાર વરસાદે દક્ષિણ આફ્રિકા માટે પરિણામ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનના 186 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ પેહલી 3 ઓવરમાં ક્વિન્ટન ડી કોક અને રાઈલી રૂસોની વિકેટ ગુમાવી દીધી હતી. બંનેને શાહીન શાહ આફ્રિદીએ પોતાનો શિકાર બનાવ્યો હતો.

ટીમ માટે કેપ્ટન ટેમ્બા બાવુમાએ પોતાના ખરાબ ફોર્મ પર થોડી બ્રેક લગાવી છે અને 36 રન (19 બોલ, 4 ચોગ્ગા, 1 છગ્ગા) ફટકારીને ટીમને ખરાબ શરૂઆતથી દૂર કરવાનો પ્રયાસ કર્યો. અહીં શાદાબ ખાને મેચ ચેન્જિંગ ઓવર ફેંકી હતી. આઠમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા શાદાબે પહેલા બોલ પર બાવુમા અને ત્રીજા બોલ પર એડન માર્કરામની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યારબાદ 9મી ઓવર પછી વરસાદ આવ્યો અને આ સમયે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 69 રન હતો.

વરસાદ ફરી બન્યો વિલન

વરસાદ બાદ રમત શરૂ થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં 73 રનની જરૂર હતી. પહેલી જ ઓવરમાં હેનરિખ ક્લાસન અને ટ્રિસ્ટન સ્ટબ્સે શાદાબ ખાનની ઓવરમાં 14 રન લીધા હતા. પછીની ઓવરમાં ક્લાસને શાહીન પર સતત 2 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ મોટો શોટ રમવાના પ્રયાસમાં તે એ જ ઓવરમાં આઉટ થઈ ગયો. અહીંથી પાકિસ્તાની ઝડપી બોલરોએ પોતાની પકડ મજબૂત કરી અને દક્ષિણ આફ્રિકાને માત્ર 108 રન (9 વિકેટ) પર રોકીને મોટી જીત નોંધાવી.

બાબરનો ફ્લોપ શો

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખવાના ઈરાદા સાથે ઉતરી હતી. કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી ટીમ વરસાદની સંભાવના વચ્ચે પહેલા જ મોટો સ્કોર બનાવીને દક્ષિણ આફ્રિકાને દબાણમાં લાવી શકે. પરંતુ પાકિસ્તાને જે રીતે શરૂઆત કરી હતી, તે મુજબ આવી બધી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. મોહમ્મદ રિઝવાન પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો, જ્યારે કેપ્ટન બાબર આઝમ (4) અને શાન મસૂદ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

ઈફ્તિખાર અને શાદાબે કરી ધમાકેદાર બેટિંગ

પાકિસ્તાને સાતમી ઓવર સુધી માત્ર 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમાં પણ મોહમ્મદ હારિસના બેટમાંથી માત્ર 11 બોલમાં 28 રન આવ્યા હતા. આ યુવા બેટ્સમેનને પહેલી વખત વર્લ્ડ કપમાં રમવાની તક મળી અને તેને ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ્સ રમી. અહીંથી ઈફ્તિખાર અહેમદે ફરી એકવાર પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી.

ભારત સામે જોરદાર અડધી સદી ફટકારનાર ઈફ્તિખારે પહેલા મોહમ્મદ નવાઝ સાથે 52 રનની ભાગીદારી કરી હતી. આ પછી શાદાબ ખાને માત્ર 36 બોલમાં ધમાકેદાર 82 રન ફટકાર્યા હતા.

આ દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે બોલિંગ અને ફિલ્ડિંગ કરવું મુશ્કેલ બન્યું હતું. પરંતુ આફ્રિકન બોલરો અને ફિલ્ડરોએ છેલ્લી ઓવરોમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. શાદાબે (52 રન, 22 બોલ, 3 ચોગ્ગા, 4 છગ્ગા) તેનો ફાયદો ઉઠાવ્યો અને માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી. ઈફ્તિખારે (51 રન, 35 બોલ) પણ બીજી ફિફ્ટી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લા 8 બોલમાં માત્ર 8 રન આપ્યા અને 4 વિકેટ લીધી અને પાકિસ્તાનને 185 રન પર રોકી દીધું.

Published On - 6:25 pm, Thu, 3 November 22