વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) IPL 2021 ટી20 વર્લ્ડ કપ (2021 T20 World Cup) માં ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ આ પહેલા તેના ઘાયલ થયેલા ઘૂંટણ BCCI અને ટીમ ઈન્ડીયા (Team India) ના મેનેજમેન્ટને માથાનો દુખાવો આપી રહ્યો છે. વરુણ ચક્રવર્તીના ઘૂંટણમાં દર્દની સ્થિતી ખૂબ જ છે. આવી સ્થિતીમાં, બીસીસીઆઈ ની મેડિકલ ટીમ તેના ઈલાજ માટે રાત-દિવસ કામ કરી રહી છે.
10 ઓક્ટોબર T20 વર્લ્ડ કપ માટે ટીમો બદલવાની છેલ્લી તારીખ હોવા છતાં, વરુણ જ્યાં સુધી તેની પીડા અસહ્ય ન બને ત્યાં સુધી ટીમ છોડવાની શક્યતા નથી. ભારતીય ટીમ ઈચ્છે છે કે તે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ રહે અને તે ટીમમાં જ રહે. વળી ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે, કે વરુણના વર્કલોડનું ધ્યાન રાખવામાં આવે.
આ મામલે બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં લખ્યું છે કે, ‘વરુણના ઘૂંટણની સ્થિતી સારી નથી. તે પીડા અનુભવી રહ્યો છે અને જો T20 વર્લ્ડ કપ ના હોત તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડવાનું જોખમ ન લીધું હોત. તેને 100 ટકા ફિટ થવા માટે બાદમાં સંપૂર્ણ રિહૈબની જરૂર પડશે. પરંતુ હાલનું ધ્યાન T20 વર્લ્ડ કપ દરમ્યાન તેની પીડાને સંભાળનું છે.
વરુણ ચક્રવર્તી હાલમાં IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહ્યો છે. ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે 6.73 ની ઇકોનોમી સાથે 13 મેચમાં 15 વિકેટ લીધી છે.
આ દરમ્યાન ઘણી મોટી ટીમો સામે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે સમજી શકાય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સની મેડિકલ ટીમ વરુણ અંગે બીસીસીઆઈ સાથે સતત સંપર્કમાં છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી હું જાણું છું, KKR ના સપોર્ટ સ્ટાફે વરુણની સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ માટે વિગતવાર ચાર્ટ તૈયાર કર્યો છે. તે ઈજા ને ઠીક કરવાનો કાર્યક્રમનો એક હિસ્સો છે.
આગળ કહ્યુ, તેને દુખાવામાં રાહત આપતા ઈન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. જેથી તે કોઈ પણ મુશ્કેલી વગર ચાર ઓવર ફેંકી શકે. ઈન્જેક્શનને કારણે ચોક્કસ સમય સુધી કોઈ દુખાવો થતો નથી. તમે ટીવી પર આ જોશો નહીં. જ્યારે તે બોલિંગ નથી કરતો ત્યારે તેને પીડા થાય છે.
Published On - 10:08 pm, Tue, 5 October 21