IPL 2023 ની 37મી મેચ જયપુરમાં રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે SMS સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ધોની સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 202 રન નોંધાવ્યા હતા. જવાબમાં ધોની સેના માટે લક્ષ્ય 32 રન દૂર રહી ગયુ હતુ. ધોની માટે સંજૂ સામે સિઝનમાં બીજી હાર છે. શાંત સ્વભાવના ધોનીને એક્શનમાં જોવા માટે પ્રેક્ષકો ખૂબ જ આતુર રહે છે. ધોનીનો ગુસ્સો અને તેનો મિજાજ પણ અલગ હોય છે. જયપુરમાં ધોની ચાર વર્ષ બાદ રમવા માટે ઉતર્યો અને જ્યાં ફરી વાર ગુસ્સામાં જરુર જોવા મળ્યો છે.
ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 2019માં જયપુરમાં રમવા માટે આવી હતી. ત્યારે ચેન્નાઈ અને રાજસ્થાન એકબીજા સામે ટકરાયા હતા. ધોનીએ ચાર વર્ષ પહેલાની એ મેચની અંતિમ ઓવરમાં અંપાયરના નિર્ણય સામે ગુસ્સો ઠાલવ્યો હતો. એ વાત સૌને યાદ હશે કે, ધોનીને એટલો ગુસ્સો કરતો કદાચ કોઈ મેચમાં પ્રથમ વાર જોવામાં આવ્યો હશે. એ વખતે ધોની ડગ આઉટમાં બેઠેલો હતો, પરંતુ ગુસ્સામાં ઉભો થઈને સીધો જ મેદાનમાં ઘુસી આવીને અંપાયરો સામે દલીલો કરવા લાગ્યો હતો.
જયપુરમાં ફરી એકવાર ધોની ગુસ્સે જોવા મળ્યો હતો. જોકે આ વખતે તો એ મેદાનમાં જ હતો અને તેના ગુસ્સાના નિશાના પર અંપાયર નહોતા. ધોની આ વખતે પોતાના જ ખેલાડી પર ગુસ્સે હતો. ગુરુવારે રમાયેલી મેચમાં ધોની ગુસ્સામાં નજર આવ્યો હતો. 15મી ઓવર લઈને આવેલા મિતષ પતિરાણાના બોલ પર શિમરોન હેટમાયર એક રન લેવા માટે દોડ્યો હતો. આ દરમિયાન ધોનીએ ઝડપથી બોલ ફિલ્ડ કરીને સિધો જ નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટંપ પર ફેંક્યો હતો. બોલ પણ સ્ટંપની લાઈનમાં જ હતો, પરંતુ વચ્ચે બોલર પતિરાણા ઉભો હતો અને તે બોલને કેચ કરવા લાગ્યો હતો.
તોફાની બેટર હેટમાયરની વિકેટ મળવાનો મોકો આમ ગુમાવી દીધો હતો. ધોની આ સ્થિતીને લઈ પતિરાણા પર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. પોતાના બંને હાથ વડે તેણે પોતાનો ગુસ્સો પતિરાણા પર દેખાડ્યો હતો. જોકે તુરત જ ધોનીએ પોતાના ગુસ્સાને કાબૂમાં લઈને વિકેટ પાછળ જવા માટે તુરત જ પરત ફરી ગયો હતો. ભૂલની સ્થિતી સમજી ગયેલા પતિરાણા ધોનીના ગુસ્સા સામે શરમાઈ જઈને હળવુ હસવા લાગ્યો હતો.
NEVER SEEN #Dhoni THIS ANGRY #CSKvRR #MSDhoni #csk #IPL2023 #ChennaiSuperKings #BCCI pic.twitter.com/Xn5y2ybovn
— Sakshi Dewangann (@SakshiDewangann) April 27, 2023
રાજસ્થાન રોયલ્સે શાનદાર જીત હોમગ્રાઉન્ડ પર મેળવી છે. રાજસ્થાને ચેન્નાઈ સામે બીજી વાર સિઝનમાં જીત મેળવી છે. 32 રનથી સંજૂ સેમસનની ટીમે સારા દેખાવ વડે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને સિઝનમાં આ પાંચમી જીત મેળવી હતી અને પોઈન્ટ્સ ટેબલમાં હવે ફરીથી નંબર-1 નુ સ્થાન મેળવી લીધુ છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:56 am, Fri, 28 April 23