T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021)માં સારા પ્રદર્શન સાથે ક્રિકેટ રમનારી પાકિસ્તાનની ટીમ (Pakistan Cricket Team) સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. આ હાર પહેલા પાકિસ્તાની ટીમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એકપણ મેચ હાર્યું ન હતું. સેમીફાઈનલમાં પણ પાકિસ્તાનની ટીમ સારુ રમી હતી અને એક સમયે જીતની નજીક દેખાતી હતી. ભલે પાકિસ્તાની ટીમનો પરાજય થયો હોય, પરંતુ ટીમના એક ખેલાડીના જુસ્સાના સતત વખાણ થઈ રહ્યા છે. આ ખેલાડી છે વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan).
આ સેમીફાઈનલના એક દિવસ પહેલા જ રિઝવાનને દુબઈની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મેચમાં રમવું મુશ્કેલ માનવામાં આવતું હતું. પરંતુ તે હોસ્પિટલમાં રિઝવાનની સારવાર કરનાર ભારતીય ડૉક્ટરે પાકિસ્તાની ખેલાડીની કહાની સંભળાવી હતી. તેની ભાવનાની પ્રશંસા કરી છે..
પાકિસ્તાનની આ સેમિફાઇનલ મેચ પહેલા રિઝવાન અને શોએબ મલિકની ફિટનેસ ચિંતાનો વિષય બની રહી હતી. બંનેએ એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. આ દરમિયાન, રિઝવાનની તબિયત ખાસ કરીને ચિંતાનું કારણ હતું. છાતીમાં ઈન્ફેક્શનના કારણે તેને મેદોર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભારતના સાહિર સનલાબદ્દીન આ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે હતા અને તેમણે રિઝવાનની સારવાર કરી હતી. હવે આ ડોક્ટરે કહ્યું છે કે રિઝવાને જે ઝડપે ફિટનેસ હાંસલ કરી તે ચોંકાવનારી હતી.
ભારતીય ડૉક્ટરે કહ્યું કે રિઝવાનનો સેમિફાઇનલ મેચ રમવાનો મક્કમ ઇરાદો હતો. આ રીતે મેચ માટે તેના ઝડપી સ્વસ્થ થવાથી તે (ડોક્ટર) આશ્ચર્યચકિત થયો હતો. મીડિયા અહેવાલમાં ડોક્ટરને ટાંકીને કહ્યું કે, રિઝવાન આઈસીયુમાં કહી રહ્યો હતો કે મારે રમવું છે. મારે ટીમ સાથે રહેવુ છે. રિઝવાન આ નિર્ણાયક નોકઆઉટ મેચમાં રમવા માટે ઉત્સુક હતો. તે પ્રતિબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. હું તેના આટલા ઝડપથી સ્વસ્થ થવાથી આશ્ચર્યચકિત થઈ ગયો.
રિઝવાને સેમિફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો અને ટીમ માટે આ ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી. આ દરમિયાન રિઝવાને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે એક વર્ષમાં હજારથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. રિઝવાને આ મેચમાં 52 બોલમાં 67 રન બનાવ્યા અને ટીમને 176ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. જો કે આ પછી પણ ટીમને સફળતા ન મળી અને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.
Published On - 8:02 am, Sat, 13 November 21