
IPL 2022માં વિરાટ કોહલી (Virat Kohli)નું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. વિરાટ કોહલીએ નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં એક પણ સદી ફટકારી નથી. તમામ ક્રિકેટ પ્રેમીઓ વિરાટ કોહલીની 71મી સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીએ ભલે લાંબા સમયથી સદી ફટકારી ન હોય. પરંતુ તેણે થોડા સમય પહેલા અડધી સદી ચોક્કસ ફટકારી છે. કોહલીના પ્રદર્શનને લઈને તેની ઘણી વખત ટીકા પણ થઈ છે. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) વિરાટ કોહલીનો બચાવ કર્યો છે.
મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલી પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફોર્મમાં પરત ફરશે. ગલ્ફ ન્યૂઝ (Gulf News) સાથેની વાતચીતમાં મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું ‘વિરાટ કોહલી જ્યારે અડધી સદી ફટકારે છે, ત્યારે પણ લાગે છે કે તે નિષ્ફળ ગયો છે. આવો સમય વિશ્વના મહાન ખેલાડીઓના જીવનમાં પણ આવે છે. વિરાટ કોહલી સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે તેને IPL બાદ નાનો બ્રેક મળ્યો છે. આશા છે કે તે હવે ફોર્મમાં પરત ફરશે. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલીની ટેકનિકમાં કંઈ ખોટું નથી. કેટલીકવાર તમારે ફક્ત થોડા નસીબની જરૂર હોય છે. જો તે મોટો સ્કોર અથવા સદી ફટકારવામાં સફળ થાય છે તો તે ચોક્કસપણે તેની આક્રમકતા પાછી લાવશે અને તેને એક અલગ ખેલાડી જેવો દેખાશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 9 જૂનથી 5 મેચની ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આ સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. કેએલ રાહુલ (KL Rahul)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ વાઇસ કેપ્ટનશીપની જવાબદારી રિષભ પંત (Rishabh Pant) ને આપવામાં આવી છે.