ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ સફરને વિજયી શરૂઆત અપાવનાર કેએલ રાહુલે વધાર્યું રોહિતનું ટેન્શન

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ દરેક મેચમાં દમદાર પ્રદર્શન કરી જીત મેળવી છે, જેમાં તમામ ખેલાડીઓએ યોગદાન આપ્યું છે. પહેલી જ મેચમાં કેએલ રાહુલે 97 રન ફટકારી ટીમને વિજયી શરૂઆત અપાવી હતી. જોકે ત્યારબાદ તેના પ્રદર્શનમાં સતત ઘટાડો થયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની ચિંતામાં વધારો થયો છે.

ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ સફરને વિજયી શરૂઆત અપાવનાર કેએલ રાહુલે વધાર્યું રોહિતનું ટેન્શન
KL Rahul
| Updated on: Nov 06, 2023 | 9:03 AM

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સેમી ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રનના વિશાળ અંતરથી હરાવી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. આવી શાનદાર સફર છતાં એક ખેલાડીના પ્રદર્શને ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી છે અને એ છે વાઈસ કેપ્ટન કેએલ રાહુલ.

ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી જ આ વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચમાં, માત્ર 2 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઈનિંગ સંભાળી અને ટીમને જીત તરફ લઈ ગયા. રાહુલ તે મેચનો સ્ટાર હતો અને 97 રન બનાવ્યા. પરંતુ ચેન્નાઈની મેચ બાદથી કેએલ રાહુલના બેટમાંથી વધુ રન નથી આવી રહ્યા.

ઈડન ગાર્ડન્સમાં કેએલ રાહુલે કર્યા નિરાશ

રવિવારે ઈડન ગાર્ડન્સમાં કેએલ રાહુલ ક્રીઝ પર આવ્યો હતો ત્યારે વિરાટ ક્રિઝ પર હાજર હતો, જે પહેલાથી જ રન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. રાહુલ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ રાહુલ જે ફોર્મ બતાવી રહ્યો હતો તેના કારણે આ અપેક્ષાઓ વધારે હતી પરંતુ તેમ થયું નહીં. રાહુલ આમાં નિષ્ફળ ગયો એટલું જ નહીં તે 17 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો.

બેટિંગ પ્રદર્શનમાં સતત ઘટાડો

રાહુલે પ્રથમ મેચમાં 97 રન બનાવ્યા બાદ તે આ ફોર્મને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો. અફઘાનિસ્તાન સામે રાહુલે બેટિંગ કરી ન હતી, જ્યારે પાકિસ્તાન સામે અણનમ 19 અને બાંગ્લાદેશ સામે અણનમ 34 રન બનાવ્યા હતા. પરંતુ તે ન્યુઝીલેન્ડ સામે 27, ઈંગ્લેન્ડ સામે 39 અને શ્રીલંકા સામે માત્ર 21 રન જ બનાવી શક્યો હતો.

છેલ્લી 4 ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે એક ભૂલ ભારતને વર્લ્ડ કપ ટ્રોફીથી દૂર કરી શકે છે, એવામાં કેએલ રાહુલનું ફોર્મમાં આવવું ટીમ માટે જરૂરી છે. કેએલ રાહુલ છેલ્લી 4 ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે એવામાં ટીમમાં તેના રમવા પર સવાલો ઊભા થઈ શકે છે.

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર! જાણો શું છે સમીકરણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો