રોહિત જેનાથી ડરે છે તે બોલરે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયા બેકફૂટ પર

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમને ઘણી પરેશાન કરી હતી. રબાડાએ આ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન રોહિત શર્માને રેકોર્ડ 13મી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ કર્યો હતો. પહેલી ટેસ્ટમાં રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

રોહિત જેનાથી ડરે છે તે બોલરે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયા બેકફૂટ પર
Rohit & Rabada
| Updated on: Dec 27, 2023 | 7:47 AM

બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમ સંપૂર્ણપણે બેક ફૂટ પર જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ વાપસી કરી રહ્યા હતા અને તેમની નજર દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા પર છે. પરંતુ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ભારતીય ટીમની યોજનાને બરબાદ કરી દીધી અને પ્રથમ દાવમાં જ 5 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો હતો.

કાગીસો રબાડાએ ટીમ ઈન્ડિયાની હાલત બગાડી

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને આ નિર્ણય સાચો સાબિત થયો. કાગીસો રબાડાએ શરૂઆતથી જ પોતાની ટીમ માટે આક્રમક બોલિંગ શરૂ કરી અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ લીધી હતી. લંચ પછી કાગીસો રબાડા વધુ ઘાતક બન્યો અને તેણે ભારતના કુલ પાંચ બેટ્સમેનોની વિકેટ ઝડપી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ભારતનો સ્કોર 8 વિકેટે માત્ર 208 રન હતો.

રબાડાએ ભારત સામે પહેલીવાર 5 વિકેટ લીધી

પ્રથમ દાવમાં કાગીસો રબાડાએ રોહિત શર્મા, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરની વિકેટ લીધી હતી. એટલે કે પ્રથમ ઓપનિંગમાં જ ઝટકો આપીને રબાડાએ ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કાગીસો રબાડાએ ભારત સામે એક ઈનિંગમાં 5 વિકેટ લીધી હોય.

28 વર્ષની ઉંમરે મોટો રેકોર્ડ બનાવ્યો

પહેલી ટેસ્ટમાં 28 વર્ષના કાગિસો રબાડાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ ઝડપી છે, તેણે છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ આફ્રિકા માટે કમાલ બોલિંગ કરી છે. કાગિસો રબાડા માત્ર ટેસ્ટમાં જ નહીં પરંતુ વનડે અને T20માં પણ સુપરસ્ટાર સાબિત થયો છે.

રબાડાએ રોહિતને 13મી વખત આઉટ કર્યો

રબાડાએ 61 ટેસ્ટમાં 285 વિકેટ, 101 વનડેમાં 157 વિકેટ અને T-20માં 58 વિકેટ લીધી છે. પ્રથમ દાવમાં રબાડાએ રોહિત શર્માને આઉટ કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી વખત છે જ્યારે રબાડાએ રોહિત શર્માને આઉટ કર્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રબાડાએ 13 વખત રોહિત શર્માની વિકેટ લીધી છે. રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત રોહિત શર્માને આઉટ કર્યો છે.

આ પણ વાંચો : IND vs SA: રાહુલે બચાવી ટીમ ઈન્ડિયાની ઈજ્જત, રોહિત-કોહલી પ્રથમ દિવસે ફ્લોપ રહ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો