ક્રિકેટ પ્રેમીઓની રાહ હવે સમાપ્ત થઇ છે. હવે તે ખેલાડી ઇજામાંથી બહાર આવી ગયો છે. જે ઇજાએ 7 મહિના સુધી આ ખેલાડીને ક્રિકેટના મેદાનથી દૂર રાખ્યો હતો તે હવે ઠીક થઇ ગઇ છે. તે ખેલાડી હવે ફરીથી ક્રિકેટ રમશે. પણ આઇપીએલ 2023માં નહીં. આઇપીએલમાં તેને રૂ. 9.75 કરોડ રુપિયામાં પંજાબે ખરીદ્યો હતો પણ ઈજાના કારણે તે ભાગ લઇ શક્યો ન હતો.
અમે જેની વાત કરી રહ્યા છીએ અને જે ક્રિકેટના મેદાન પર પરત ફરવાનો છે તે ઇંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેયરસ્ટો છે. ઇજા પહેલા ઇંગ્લેન્ડના આ વિકેટકીપર બેટ્સમેને પોતાની અંતિમ ઇનિંગ દક્ષિણ આફ્રિકા સામે મેન્ચેસ્ટર ટેસ્ટમાં 26 ઓગષ્ટ 2022 ના દિવસે રમી હતી. હવે 7 મહિના બાદ તે મેદાન પર પરત ફરવા માટે ઉત્સુક છે.
જોની બેયરસ્ટોને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ફ રમતા ઇજા થઇ હતી. આ ઇજાના કારણે તેણે ગત વર્ષે રમાયેલ ટી20 વિશ્વ કપમાં પણ ભાગ લીધો ન હતો. આ જ નહીં તે ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન પણ ટીમમાંથી બહાર થઇ ગયો હતો. અને તે બાદ આઇપીએલ 2023માંથી પણ. એટલે કે તે ક્રિકેટ મેદાન પરથી ઘણા સમય માટે દૂર રહ્યો હતો.
હવે જ્યારે બેયરસ્ટો ઇજામાંથી સાજો થયો છે તો તેની સામે એશિઝ શ્રેણી જેવો મોટો પડકાર છે. તે ઇચ્છતો હશે કે ભલે તે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે એશિઝ રમવાનો છે પણ તે પહેલા તે પોતાની ફિટનેસ અને બેટિંગ બંનેને પરિપક્વ કરી લે. આ માટે તેણે યોર્કશર માટે રમવાનો નિર્ણય કર્યો છે.
બેયરસ્ટો યોર્કશરની સેકન્ડ સ્ટ્રીંગ ટીમ માટે નોટિંઘમશર સામે મેચ રમશે. આ મેચ દ્વારા તે પ્રયત્ન કરશે કે તે પોતાની ફિટનેસને પુરવાર સાબિત કરે. જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા સામે 8 ટેસ્ટ મેચની એશિઝ શ્રેણીની શરૂઆત 16 જૂનથી એજબેસ્ટમાં થશે. એશિઝ પર હાલમાં ઓસ્ટ્રેલિયાનો કબજો છે. ઇંગ્લેન્ડે એશિઝની ગત એડિશન 0-4 થી ગુમાવી હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…