
વ્હાઇટ બોલ કોચ તરીકે ગૌતમ ગંભીરનો રેકોર્ડ મજબૂત છે. તેના નેતૃત્વ હેઠળ ટીમે ICC અને ACC ટુર્નામેન્ટ ટ્રોફી જીતી છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. ખાસ કરીને SENA દેશો સામે ભારતમાં છેલ્લા 10 ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ટેસ્ટ ફોર્મેટમાં ટીમના રેકોર્ડ પર સવાલ ઊઠ્યા છે.
અહેવાલો અનુસાર, હાર પછી ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ વીવીએસ લક્ષ્મણ સાથે અનૌપચારિક વાત કરી અને તેમને પૂછ્યું કે, શું તેઓ ભારતની રેડ-બોલ ટીમના કોચિંગમાં રસ ધરાવશે?
બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, “ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટના ટોચના સ્તરે મજબૂત સમર્થન છે. જો ભારત ટી20 વર્લ્ડ કપ જીતે છે અથવા ફાઇનલમાં પહોંચે છે, તો ગંભીર માટે પોતાની ભૂમિકા ચાલુ રાખવી સરળ રહેશે.”
આ સિવાય વધુમાં જાણવા મળ્યું હતું કે, ” હવે જોવું રસપ્રદ રહેશે કે, શું તે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખે છે? રેડ-બોલ ફોર્મેટમાં ગંભીર સિવાય બીજા કોઈ વિકલ્પો નથી, કારણ કે વીવીએસ લક્ષ્મણ સિનિયર ટેસ્ટ ટીમના કોચિંગમાં રસ દાખવી રહ્યા નથી.” વીવીએસ લક્ષ્મણ હાલમાં બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ક્રિકેટના હેડ તરીકેની તેમની ભૂમિકાથી ખુશ છે.
ગૌતમ ગંભીરનો BCCI સાથેનો કોચિંગ કરાર 2027 ODI વર્લ્ડ કપ સુધી છે. જો કે, પાંચ અઠવાડિયામાં શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનના આધારે આ કરાર પર પુનર્વિચાર થઈ શકે છે. એવામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ચર્ચા ચાલી રહી છે કે, શું ગંભીરને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલની બાકીની નવ ટેસ્ટ મેચ માટે રેડ-બોલ કોચ તરીકે જાળવી રાખવો જોઈએ?
ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ ટેસ્ટની સિરીઝ 2-2 થી ડ્રો રહ્યા બાદ હવે ભારતને આગળ ઘણા વિદેશી પ્રવાસ કરવાના છે. ઓગસ્ટ 2026માં ભારત શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચ રમશે, ત્યારબાદ ઑક્ટોબરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પછી જાન્યુઆરી–ફેબ્રુઆરી 2027માં ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની મોટી સિરીઝ રમાશે.