India Legends પહોંચ્યુ ફાઈનલમાં, ઈરફાન પઠાણે 4 છગ્ગા જમાવી તોફાની ઈનીંગ વડે અપાવી જીત

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ની સેમિફાઇનલમાં (India Legends) ઈન્ડિયા લિજેન્ડ્સે ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. નમન ઓઝા-ઇરફાન પઠાણે (Irfan Pathan) વિજય મેળવ્યો હતો.

India Legends પહોંચ્યુ ફાઈનલમાં, ઈરફાન પઠાણે 4 છગ્ગા જમાવી તોફાની ઈનીંગ વડે અપાવી જીત
Irfan Pathan એ તોફાની અંદાજમાં રમત રમી
| Edited By: | Updated on: Sep 29, 2022 | 9:01 PM

ઈન્ડિયા લિજેન્ડ્સ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) માં પોતાનુ અદભૂત પ્રદર્શન ચાલુ રાખ્યુ છે. ઈન્ડિયા લિજેન્ડ્સે ગુરુવારે પ્રથમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 171 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈન્ડિયા લિજેન્ડ્સે 4 બોલ પહેલા 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી નમન ઓઝા (Naman Ojha) એ સૌથી વધુ અણનમ 90 રન બનાવ્યા હતા. તેના સિવાય ઈરફાન પઠાણે (Irfan Pathan) 7મા નંબર પર ઉતરીને માત્ર 12 બોલમાં 37 રન બનાવીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી બેન ડંક ને 46, એલેક્સ ડૂલને 35 અને શેન વોટસને 30 રન બનાવ્યા હતા પરંતુ ઓઝા અને પઠાણની પાવર હિટિંગ સામે ઓસ્ટ્રેલિયન ટીમ ટકી શકી ન હતી અને તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.

ઈરફાન પઠાણે 7 બોલમાં રમત પલટી નાખી

તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે ઈન્ડિયા લિજેન્ડ્સ ટીમ માટે જીત મુશ્કેલ લાગી રહી હતી, પરંતુ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ઝડપથી બેટિંગ કરીને આખી મેચને ફેરવી નાખી હતી. પઠાણે 7 બોલમાં 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને મેચને ઈન્ડિયા લિજેન્ડ્સ તરફ વાળ્યો હતો. પઠાણે 17મી ઓવરથી ફટકા મારવાનું શરૂ કર્યું હતું. તેણે ડર્ક નેન્સની બોલ પર કુલ 4 સિક્સર ફટકારી હતી. 19મી ઓવરમાં પઠાણે નેન્સની ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી.

ઈન્ડિયા લિજેન્ડ્સને અંતિમ 2 ઓવરમાં 24 રનની જરૂર હતી અને પઠાણ-ઓઝાએ નેન્સની ઓવરમાં 21 રન લીધા હતા. છેલ્લી ઓવરમાં પઠાણે બ્રેટ લીના બોલ પર ચોગ્ગો ફટકારીને ઈન્ડિયા લિજેન્ડ્સને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

 

ઓઝાના પ્રદર્શનને ‘નમન’

રોડ સેફ્ટી સિરીઝમાં ઈન્ડિયા લિજેન્ડ્સના વિકેટકીપર નમન ઓઝાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ જમણા હાથના બેટ્સમેને અત્યાર સુધી પોતાની ટીમ માટે સૌથી વધુ 158 રન બનાવ્યા છે. ઓઝાની સરેરાશ 39 થી વધુ છે. સ્ટુઅર્ટ બિન્નીએ 102 રન બનાવ્યા છે, જેની બેટિંગ એવરેજ 51થી વધુ છે.

ફાઇનલમાં કોની વચ્ચે થશે ટક્કર?

ઈન્ડિયા લિજેન્ડ ટીમ ફાઇનલમાં પહોંચી છે પરંતુ સવાલ એ છે કે ટાઇટલ મેચમાં તેઓ કોની સામે ટકરાશે? બીજી સેમિફાઇનલ શ્રીલંકા લિજેન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ વચ્ચે યોજાવાની છે. આ મેચ 30 સપ્ટેમ્બરે રાયપુરમાં રમાશે.

 

Published On - 8:50 pm, Thu, 29 September 22