
આઈપીએલ ઓક્શન માં અનેક ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસ્યા છે. યુવા ખેલાડીઓને આઈપીએલ ઓક્શનમાં પળવારમાં જ કરોડપતિ બનાવી દેવાનુ દરેક વખતે જોવા મળે છે. 20 લાખની બેઝ પ્રાઈસ સાથે રજીસ્ટ્રેશ કરાવેલ યુવા ક્રિકેટર પર 9 ગણી રકમ ઓક્શનમાં વરસી પડી છે. શરીરથી ફિટ આ ખેલાડી પર 1.80 કરોડ રુપિયા વરસ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે વિરેન્દ્ર સહેવાગના ભત્રીજા મયંક ડાગર પર આ પૈસા વરસાવ્યા છે. ભત્રીજો હોવુ એ એની માત્ર ઓળખ નથી, પોતાનામાં રહેલો દમ તેને આ રકમ સુધી લઈ ગયો છે.
હૈદરાબાદની ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો એ બોલી બોલવા સમયે રાજસ્થાન રોયલ્સ પણ તેને પોતાની સાથે જોડવા માટે ટક્કર આપી રહ્યુ હતુ. અંતમાં હૈદરાબાદે તેને પોતાની સાથે જોડવામાં સફળતા મેળવી હતી. મયંક ડાગર ઓલરાઉન્ડર ખેલાડી છે. આ પહેલા પંજાબ કિંગ્સનો પણ તે હિસ્સો રહી ચુક્યો છે.
ઈશાન કિશનની આગેવાનીમાં વર્ષ 2016માં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ વિશ્વકપ ફાઈનલમાં પહોંચી હતી. બાંગ્લાદેશમાં રમાયેલ અંડર-19 વિશ્વકપની એ ફાઈનલ મેચની ટીમનો હિસ્સો તે રહ્યો હતો. જે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા, જે હાલમાં ભારતીય ટીમના કોચ છે.
હિમાચલ પ્રદેશ તરફથી ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મયંક એ જ વર્ષે અંડર 19 વિશ્વકપનો હિસ્સો રહ્યો હતો. આગળ જતા તેને 2018ના મેગા ઓક્શન દરમિયાન પંજાબ કિંગ્સ દ્વારા તેને પોતાની સાથે જોડ્યો હતો. જોકે પંજાબે તેને એક પણ મેચ રમવાનો મોકો આપ્યો નહોતો. ત્યાર બાદ તે ચાર વર્ષ સુધી ક્યાંય જોવા મળ્યો નહોતો. પરંતુ હવે ફરી એકવાર તે આઈપીએલ ટીમનો હિસ્સો બન્યો છે. હૈદરાબાદની ટીમે આ ઓલરાઉન્ડરને પોતાની સ્ક્વોડનો હિસ્સો બનાવ્યો છે.
જબરદસ્ત ફિટનેસ ધરાવતા મયંક ડાંગર તેની ફિટનેસ ને લઈને હિટ છે. તે આ માટે ખૂબ જાણિતો છે. અહેવાલ મુજબ યો-યો ટેસ્ટમાં એક વાર વિરાટ કોહલીને તેણે પાછળ છોડી દીધો હતો. વર્ષ 2018ની આ વાત છે. તે સમયે યો યો ટેસ્ટમાં કોહલી કરતા મયંકનો સ્કોર વધારે સારો રહ્યો હતો. સ્કોર જોવામાં આવે તો મયંક 19.3 ધરાવતો હતો, જ્યારે કોહલી 19નો સ્કોર ધરાવતો હતો. જ્યારે મનીષ પાંડેનો સ્કોર 19.2 હતો. આમ વિરાટ કોહલીને ફિટનેસમાં પાછળ છોડવાને લઈ તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો.
ડાગરે 29 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 87 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 3.05 રહી છે. 20.33ની એવરેજથી 732 રન પણ બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. લિસ્ટ એ માં તેણે અત્યાર સુધી 46 મેચ રમી છે અને 51 વિકેટ લીધી છે. તેમજ 393 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી નીકળી છે.
Published On - 9:19 am, Sat, 24 December 22