IPL ટૂર્નામેન્ટમાં 10 ટીમોના માટે કામ શરૂ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) બે નવી ટીમો માટે અરજીઓ બહાર પાડવાની માહિતી આપી હતી. BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે IPL 2022 સીઝનમાં બે નવી ટીમો સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે, ટીમો ખરીદવાની અરજીઓ કરી શકાય છે. અરજી કરવાની અંતિમ તારીખ 5 ઓક્ટોબર હશે. એટલે કે એક મહિના જેટલો સમય રાખવામાં આવ્યો છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલના પ્રસ્તાવ હેઠળ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમોની માલિકી અને સંચાલન માટે અરજીઓ મંગાવેલ છે. આ ટીમો ટેન્ડર પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. કોઈપણ જો ટીમ ખરીદવા માંગે છે, તેણે ઇન્વીટેશન ટુ ટેન્ડર (ITT) ખરીદવું પડશે. જો કે, જેઓ ITT અને અન્ય નિયમો અને શરતોમાં નિર્ધારિત પાત્રતાના માપદંડને પૂર્ણ કરે છે, તે જ બિડિંગ માટે લાયક રહેશે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે માત્ર ITT ની ખરીદી બિડિંગ માટે લાયક ઠરશે નહીં.
BCCI દ્વારા નક્કી કરવામાં આવેલી શરતો અનુસાર ITT ખરીદવા માટે 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, બીસીસીઆઈના એક સૂત્રે ગુપ્તતાની શરતે મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું હતું કે, અગાઉ બે નવી ટીમોની બેઝ પ્રાઈઝ 1700 કરોડ રૂપિયા માનવામાં આવી રહી હતી. પરંતુ હવે બેઝ પ્રાઈઝ વધારીને 2000 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. . BCCI બંને ટીમોની માલિકી વેચીને લગભગ 5000 કરોડ રૂપિયા કમાવાની આશા રાખે છે. બે નવી ટીમોના આગમન સાથે IPL માં 74 મેચ થશે.
NEWS 🚨 BCCI announces release of tender to own and operate IPL team.
More details here – https://t.co/G0R7dMRy6Z pic.twitter.com/oyGLorerq0
— BCCI (@BCCI) August 31, 2021
એવું જાણવા મળ્યું છે કે 3000 કરોડ કે તેથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. એટલું જ નહીં, બીસીસીઆઈ કંપનીઓના જૂથને પણ ટીમ ખરીદવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. આ બિડિંગ પ્રક્રિયાને વધુ રસપ્રદ બનાવશે. નવી ટીમો માટે ત્રણ શહેરોના નામ આગળ વધી રહ્યા છે. જેમાં અમદાવાદ, લખનૌ અને પુણેનો સમાવેશ થાય છે. તેમાં અમદાવાદ અને લખનૌનું નામ મોખરે છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનૌનું ઉકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી બની શકે છે. કારણ કે આ સ્ટેડિયમોની ક્ષમતા વધારે છે. ઘણા સમયથી અમદાવાદની ટીમની માંગ હતી. આ પહેલા પણ IPL માં 10 ટીમો રહી ચૂકી છે. તે વખતે એક ટીમ પુણેની અને બીજી ટીમ કોચીની હતી. પરંતુ બાદમાં બંને ટીમોને પડતી મૂકવામાં આવી હતી.