ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને BCCI અને ફ્રેન્ચાઇઝીઓ તૈયારીઓમાં લાગી ચુકી છે. ચાહકો તેમની ચાહીતી ટીમ અને તેના ખેલાડીઓને લઇને નજર રાખી રહ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની ટીમની કેપ્ટનશિપ છોડી દેવાને લઇને હવે ટીમને નવો કેપ્ટન મળશે. જ્યારે અમદાવાદ (Ahmedabad) અને લખનૌ જેવી 2 નવી ટીમો IPL ટૂર્નામેન્ટમાં સામેલ થઇ રહી છે. જેને લઇને પણ કેપ્ટનના નામની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. આ દરમ્યાન અમદાવાદની ટીમને લઇને ચાહકો કેએલ રાહુલ (KL Rahul) ને સુકાની તરીકે ઇચ્છી રહ્યા છે.
આઇપીએલ મેગા ઓક્શન (IPL Mega Auction) આગામી ફેબ્રુઆરીની 12મી અને 13મીના રજો બેંગ્લુરુમાં યોજાનાર છે. જેને લઇને હવે નવી ટીમો અને પંજાબ કિંગ્સ તેમજ આરસીબી તેના નવા કેપ્ટનને લઇને કસરત કરી રહી છે. આ પહેલા 8 ટીમો તેમના ખેલાડીઓને રિટેન કરી ચૂકી છે.
અમદાવાદની ટીમ માટે આમ તો દિલ્હીના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) નુ નામ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યુ છે. અય્યરને ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણે વન ડે સિરીઝ દરમિયાન પૂણેમાં ખભામાં ઇજા થઇ હતી. જેને લઇ તેણે આઇપીએલ 2021 ના પ્રથમ હાલ્ફને ગુમાવવો પડ્યો હતો. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને તેમની ટીમનો કેપ્ટન પસંદ કર્યો હતો. જે બીજા હાલ્ફમાં પણ જારી રાખતા અય્યરને કેપ્ટનશિપ પરત મળવાની આશાઓ નહીવત દેખાવા લાગી હતી. આમ હવે દિલ્હીથી છૂટા પડ્યા બાદ તેનુ નામ અમદાવાદની ટીમ માટે ચર્ચાવા લાગ્યુ છે. તે અમદાવાદની ટીમનો કેપ્ટન હોઇ શકે છે.
આ ચર્ચાઓની સંભાવનાઓ વચ્ચે TV9 Gujarati દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા વોટીંગમાં લોકોએ પોતાનો મત દર્શાવ્યો હતો. જેમાં લોકોનો સૌથી વધુ ઝોક કેએલ રાહુલ તરફ રહ્યો હતો. ટ્વીટર પર લોકોએ કરેલા વોટીંગમાં સૌથી વધુ 44.1 % મત રાહુલ તરફ કર્યા હતા. જ્યારે 26 % મત શ્રેયસ અય્યરના નામ પર આપ્યા હતા. તેમજ ડેવિડ વોર્નર ને 23.6 % મત મળ્યા હતા. જ્યારે આરોન ફિંચ માટે માત્ર 6.3 % લોકોએ જ રસ દાખવ્યો હતો.
આવી જ રીતે યુટ્યુબ પર 58 ટકા લોકોએ કેએલ રાહુલને અમદાવાદની ટીમના કેપ્ટન તરીકે જોવાનુ પસંદ કર્યુ હતુ. જ્યારે અય્યરને અમદાવાદના કેપ્ટન તરીકે 23 ટકા લોકોએ પસંદ કર્યો હતો. ડેવિડ વોર્નરને અહી 14 અને આરોન ફિંચને 4 ટકા લોકોએ પસંદ કર્યો હતો.
IPLની આગામી સિઝનમાં અમદાવાદની ટીમની આગેવાની માટે કયો ખેલાડી રહેશે યોગ્ય?#TV9GujaratiPoll #IPL2022 #IPL #Cricket
— tv9gujarati (@tv9gujarati) December 28, 2021
ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન પદે મહેન્દ્રસિંહ ધોની, મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન પદે રોહિત શર્મા, દિલ્હી કેપિટલ્સ ટીમની આગેવાની ઋષભ પંત, રાજસ્થાન રોયલ્સ માટે સંજૂ સેમસન અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે કેન વિલિયસમન કેપ્ટનશિપ સંભાળશે. જોકે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને આરસીબીએ તેમની ટીમના માટે નવા કેપ્ટન શોધી રહી છે.
જેમાં પંજાબની ટીમ માટે મયંક અગ્રવાલ પર પસંદગી થવાની સંભાવના વર્તાઇ રહી છે. કેકેઆરનુ સુકાની પદ આંદ્રે રસેલને સોંપાઇ શકે છે. જ્યારે વિરાટ કોહલી ના સ્થાન પર બેંગ્લોરની ટીમ માટે મેક્સવેલ નવો કેપ્ટન હોઇ શકે છે. આ ઉપરાંત લખનૌની નવી ટીમ માટે કેએલ રાહુલનુ પણ નામ ચર્ચાઇ રહ્યુ છે. જેને અમદાવાદના ચાહકો પોતાની ટીમ માટે પસંદ કરી રહ્યા છે. જોકે મહોર વાગતી જોવા માટે હજુ થોડી રાહ જોવી જરુરી છે.
Published On - 8:52 pm, Wed, 29 December 21