ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે IPL 2022 ની મધ્યમાં એક મોટી સમસ્યા ઊભી થઈ છે. ટીમનો સ્ટાર બોલર દીપક ચહર (Deepak Chahar) ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેના આઉટ થયા બાદ ચેન્નાઈ હવે તેના સ્થાને આમાંથી એક ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. મહત્વનું છે કે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે લીગમાં અત્યાર સુધી 5 મેચમાંથી માત્ર 1 જ મેચ જીતવામાં સફળ રહી છે. ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહરના આઈપીએલ 2022 (IPL 2022) માંથી બહાર થવાથી ચેન્નઇ ટીમને જરૂર મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ હવે ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ માટે મોટો પ્રશ્ન એ છે કે દીપક ચહરના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સમાવવો. તેને લઇને ઘણા નામોની ચર્ચા થઇ રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે દીપકના સ્થાને કયા નામોની ચર્ચા મોખરે ચાલી રહી છે.
ભારતના દિગ્ગજ ઝડપી બોલરોમાંથી એક ઈશાંત શર્માને ચેન્નાઈની ટીમ સામેલ કરી શકે છે. આ વખતે પણ હરાજીમાં તેમને કોઈએ ખરીદ્યો ન હતો. ટીમમાં તેની સાથે અન્ય બોલરોને તેના અનુભવનો ફાયદો થશે અને ટીમને નવા બોલ સાથે બોલિંગ કરવા માટે બોલર પણ મળશે. તેણે અત્યાર સુધીમાં 93 IPL મેચ રમી છે અને 8.11ની ઈકોનોમીથી 72 વિકેટ લીધી છે.
છેલ્લી કેટલીક સિઝનમાં મુંબઈ તરફથી રમનાર ધવલ કુલકર્ણીને ચેન્નાઈ ટીમમાં સામેલ કરી શકે છે. ધવલ પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે જાણીતો છે. તે નવા બોલ સાથે સ્વિંગ કરાવવામાં માહેર છે. આવી સ્થિતિમાં તે દીપક ચહરનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે. તેણે અત્યાર સુધીમાં 92 આઈપીએલ મેચ રમી છે અને 8.30 ની ઈકોનોમીમાં 86 વિકેટ લીધી છે.
સંદીપ વોરિયરે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2021 માં તેના પ્રદર્શનથી ઘણાને પ્રભાવિત કર્યા. સ્થાનિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન સતત સારું રહ્યું છે. તેણે 2018-19 વિજય હજારે ટ્રોફીમાં કેરળ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ પછી તેણે આગામી સિઝનમાં હેટ્રિક પણ લીધી.
તાજેતરના સમયમાં આઈપીએલમાં લેગ સ્પિનરો ખૂબ જ સફળ રહ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમ અમિત મિશ્રાને ટીમમાં સામેલ કરી શકે છે. તેણે IPL માં 154 મેચ રમી છે અને 166 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી માત્ર 7 ની રહી છે.
દીપક ચહરના સ્થાને અર્જન નાગવાસવાલા ટીમમાં જોડાઇ શકે છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયા સાથે પણ છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હજુ સુધી IPL માં ડેબ્યુ કર્યું નથી. આવી સ્થિતિમાં તે દીપક ચહરનું સ્થાન પણ લઈ શકે છે.
આ પણ વાંચો : IPL 2022 : GT vs CSK: અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન ગુજરાત માટે ઓપનિંગ કરશે! તો આવી હશે CSK ની પ્લેઈંગ ઈલેવન
આ પણ વાંચો : IPL 2022: આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, વિરાટ કોહલીએ હવે બ્રેક લઈને કોમેન્ટ્રી કરવી જોઈએ