IPL 2022: શેન વોટસને ‘વિવાદાસ્પદ બોલ’ બાદના નાટક પર મૌન તોડ્યું, સુકાની રિષભ પંતને લઇને કહી મોટી વાત

IPL 2022 : શુક્રવારે રાત્રે રમાયેલી રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) મેચની છેલ્લી ઓવરમાં 'વિવાદાસ્પદ બોલ'ના કારણે લાંબા સમય સુધી રમત બંધ રહી હતી. હવે દિલ્હીના આસિસ્ટન્ટ કોચે આ અંગે પોતાનો મત આપ્યો છે.

IPL 2022: શેન વોટસને વિવાદાસ્પદ બોલ બાદના નાટક પર મૌન તોડ્યું, સુકાની રિષભ પંતને લઇને કહી મોટી વાત
Shane Watson and Rishabh Pant (PC: Twitter)
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:31 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં શુક્રવારે રાત્રે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચેની મેચની છેલ્લી ઓવરમાં શું થયું હતું તેના પર દિલ્હી ટીમના સહાયક કોચ શેન વોટસને (Shane Watson) પોતાનું મૌન તોડ્યું હતું. તેણે મેચની છેલ્લી ઓવરના ‘વિવાદાસ્પદ બોલ’ બાદ ડ્રામા પર પોતાની ટીમના કેપ્ટન ઋષભ પંતના વર્તનને ખોટું ગણાવ્યું હતું. મહત્વનું છે કે રાજસ્થાનનો બોલર ઓબેદ મેકકોય આ મેચની છેલ્લી ઓવર કરી રહ્યો હતો. તેનો ત્રીજો બોલ ફુલ ટોસ હતો અને તે રોવમેન પોવેલની કમર ઉપર જતો જોવા મળ્યો હતો. દિલ્હીની ટીમ ઈચ્છતી હતી કે અમ્પાયર આ બોલને ‘નો બોલ’ જાહેર કરે. પરંતુ અમ્પાયરે દિલ્હીની ટીમની અરજી ફગાવી દીધી હતી. તેને લઈને મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો.

દિલ્હીના સુકાની ઋષભ પંતે તો અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવીને પોતાની ટીમના બેટ્સમેનોને મેદાન છોડવાના સંકેત પણ આપ્યા હતા. તેણે આ અંગે અમ્પાયર સાથે વાત કરવા માટે સહાયક કોચ પ્રવીણ આમરેને પણ મેદાનની અંદર મોકલ્યો હતો. મેચ બાદ જ્યારે દિલ્હીના બીજા આસિસ્ટન્ટ કોચ શેન વોટસનને આ ઘટનાક્રમ પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે આપેલા જવાબથી સ્પષ્ટ થઈ ગયું કે તે પણ રિષભના વર્તનની વિરુદ્ધ છે.

શેન વોટસને કહ્યું, ‘છેલ્લી ઓવરમાં જે પણ થયું તે નિરાશાજનક હતું. જે કંઈ પણ થયું તેને દિલ્હી કેપિટલ્સ સાથે કોઈ લેવાદેવા નથી. અમ્પાયરનો નિર્ણય સાચો હોય કે ખોટો આપણે સ્વીકારવો પડશે અને અમે સ્વીકારી શકતા નથી કે પીચ પર ખેલાડી સિવાય અન્ય કોઈ રન કરે છે, આ બરાબર નથી.’

શું હતો સંપુર્ણ મામલો?

છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 6 બોલમાં 36 રનની જરૂર હતી. રોવમેન પોવેલ ક્રિઝ પર ઊભો હતો અને બોલિંગની જવાબદારી ઓબેડ મેકકોય પર હતી. રોવમેને મેકકોયના પ્રથમ 3 બોલમાં 3 છગ્ગા ફટકારીને દિલ્હીની જીતની આશા જગાવી હતી. એવું લાગી રહ્યું હતું કે તે બાકીના ત્રણ બોલમાં પણ સિક્સર ફટકારીને દિલ્હીને મેચ જીતાડશે, પણ પછી ગડબડ થઈ.

વાસ્તવમાં, ત્રીજો બોલ કે જેના પર પોવેલે મેકકોયને સિક્સર ફટકારી, તે બોલ સંપૂર્ણ ફુલટોસ હતો અને કમરથી ઉપર જતો જોવા મળ્યો હતો. આના પર ડગઆઉટમાં બેઠેલા દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ અને સ્ટાફે નો બોલ આપવાની માગ કરી હતી. જો આમ થયું હોત તો દિલ્હીને 4 બોલમાં 18 રનની જરૂર હોત અને દિલ્હી જીતની નજીક પહોંચી ગયું હોત. પરંતુ અમ્પાયરે દિલ્હીની આ માગને ફગાવી દીધી હતી.

મેદાન પર લાંબા સમય સુધી રમત બંધ રહી હતી. જો આ બોલને નો બોલ આપવામાં ન આવે તો રિષભ પંતે તેના બેટ્સમેનોને મેદાનમાંથી પાછા બોલાવવાનો સંકેત પણ આપ્યો હતો. આ દરમિયાન દિલ્હીના આસિસ્ટન્ટ કોચ શેન વોટસન પણ ઋષભ પંતને ડગઆઉટમાં સમજાવતા જોવા મળ્યા હતા. પરંતુ તે રાજી ન થયો અને તેણે પ્રવીણ આમરેને પણ અમ્પાયર સાથે વાત કરવા મેદાનમાં મોકલ્યો હતો.

દિલ્હી કેમ્પ ઈચ્છતું હતું કે થર્ડ અમ્પાયર આ વિવાદાસ્પદ બોલ પર નિર્ણય લે. પરંતુ તેમ થઈ શક્યું નહીં. બોલને નો બોલ આપવામાં આવ્યો ન હતો અને મેચ આગળ વધી હતી. આ ઘટના બાદ રોવમેનની લય બગડી અને તે છેલ્લા 3 બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. આ સાથે દિલ્હી આ મેચ 15 રને હારી ગયું હતું. મેચ બાદ રિષભ પંતે પણ આ ‘વિવાદાસ્પદ બોલ’ પર દિલ્હીની હાર માટે જવાબદાર ઠેરવ્યું હતું.

આ પણ વાંચો : IPL 2022: કમર થી ઉપર ફુલટોસ નો બોલને લઈને શુ કહે છે નિયમ, ત્રીજા અંપાયરની શુ હોય છે ભૂમિકા? જાણો

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સ પર વિંઝાયો સજાનો કોરડો, ઋષભ પંત સહિત ત્રણને દંડ ફટકાર્યો, કોચ પર એક મેચનો પ્રતિબંધ