જેમ જેમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) નજીક આવી રહી છે, તેમ તેમ તમામ ટીમોને કેટલાક ખરાબ સમાચાર મળી રહ્યા છે. 26 માર્ચથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સનો મેચ વિનિંગ બોલર માર્ક વુડ (Mark Wood) ઈજાગ્રસ્ત થયો છે. એન્ટિગુઆ ટેસ્ટ દરમિયાન બોલિંગ કરતી વખતે માર્ક વુડ ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા હાથની કોણીમાં સોજો આવી ગયો હતો અને તે વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં વધુ બોલિંગ કરી શક્યો ન હતો. વુડ જૂના બોલથી માત્ર ચાર ઓવર નાંખી અને તે પછી તેની કોણીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. માર્ક વૂડની આ ઈજા જોફ્રા આર્ચર જેવી જ છે, તેણે વર્ષ 2021માં કોણીમાં સોજાની ફરિયાદ કરી હતી. જોફ્રા આર્ચરને કોણીના બે ઓપરેશન થયા છે અને તે છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાંથી બહાર છે.
જો માર્ક વૂડને પણ જોફ્રા આર્ચરની જેમ ઈજા થઈ છે તો લખનૌ સુપર જાયન્ટ્સ માટે તે મોટો આંચકો છે. ટીમે આ ફાસ્ટ બોલરને 7.5 કરોડની મોટી કિંમતે ખરીદ્યો છે. માર્ક વૂડ સતત 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. વુડે તાજેતરમાં એશિઝમાં સૌથી વધુ 17 વિકેટ ઝડપી હતી.
લખનૌ સુપરજાયન્ટ્સ પાસે માર્ક વુડનો એક જ વિકલ્પ છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા લખનૌની ટીમનો હિસ્સો છે. જો માર્ક વુડ ઈજાના કારણે IPL 2022 રમી શકશે નહીં, તો તે ખરેખર જ લખનૌની પ્લેઈંગ ઈલેવનનું સમીકરણ બગાડી નાખશે.
આમ પણ માર્ક વુડ સિવાય લખનઉ સુપરજાયન્ટ્સે IPL 2022ની હરાજીમાં અન્ય ફાસ્ટ બોલરો પર પણ દાવ લગાવ્યો હતો. જેમાં અંકિત રાજપૂત અને અવેશ ખાન જેવા ખેલાડીઓ સામેલ છે. પરંતુ આ ટીમની ફાસ્ટ બોલિંગનો લીડર માર્ક વુડ છે અને જો તે ઈજાગ્રસ્ત થાય છે તો આ ટીમ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. જો કે, લખનૌની ટીમે તેની પ્રથમ મેચ 28 માર્ચે રમવાની છે અને જો માર્ક વૂડની ઈજા વધુ ગંભીર ન હોય તો તે શરૂઆતની દોઢ મેચ સિવાયની તમામ મેચો રમી શકે છે. પરંતુ જો આ ઈજા જોફ્રા આર્ચર જેવી છે તો તેના માટે આ સિઝનમાં રમવું અસંભવ બની શકે છે.
કેએલ રાહુલ, મનીષ પાંડે, ક્વિન્ટન ડી કોક, મનન વોહરા, એવિન લુઈસ, માર્કસ સ્ટોઈનીસ, કૃષ્ણપ્પા ગૌતમ, કર્ણ શર્મા, જેસન હોલ્ડર, કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, માર્ક વૂડ, દુષ્મંતા ચમીરા, અંકિત રાજપૂત, મોહસીન ખાન, શાહબાઝ નદીમ, અવેશ ખાન અને મયંક યાદવ.
Published On - 12:35 pm, Fri, 11 March 22