ઈજાગ્રસ્ત ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે યો-યો ટેસ્ટ પાસ કરી દીધો છે અને હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL પહેલા તેના કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની ફિટનેસની તપાસ કરી રહ્યું છે અને NCA ખાતે હાર્દિક પંડ્યાનું બે દિવસીય પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે શુભ સંકેત છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ TV9 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે “ફિટનેસ ટેસ્ટ એવા ખેલાડીઓ માટે છે, જેઓ ઈજામાંથી પાછા ફર્યા છે. વ્યસ્ત IPL સિઝન પહેલા ફિટનેસનું આ સામાન્ય મૂલ્યાંકન છે. તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને તેની વર્તમાન ફિટનેસ સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેને જોતા અમે હાર્દિક પંડ્યા સહિત તમામ કરાર આધારીત ખેલાડીઓનું અહીં એસેસ્મેન્ટ કર્યું હતું. જેમાં ખેલાડીઓની ફિટનેસને લઈને અમે તેમનું નિરીક્ષણ કરીએ છીએ. આ નિરિક્ષણમાં નક્કી કરેલ માપદંડ પ્રમાણે હાર્દિક પંડ્યા સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી આઈપીએલમાં ન રમવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી.”
બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમના યુવા ખેલાડી પૃથ્વી શો યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો છે. તેણે પોતાની ફિટનેસથી ચાહકોની સાથે સાથે બાકીના લોકોને પણ નિરાશ કર્યા છે. યો-યો લાયકાતનો વર્તમાન આંકડો 16.5 છે, જ્યારે જાણવા મળે છે કે ઓપનર પૃથ્વી શો તેમાં માત્ર 15 જ સ્કોર કરી શક્યો છે. જોકે તે આવનાર આઈપીએલ 2022માં રમવામાં કોઈ તકલીફ નહીં પડે. તે લીગમાં રમવા માટે મેદાન પર ઉતરી શકે છે.
પૃથ્વી શો હજુ સુધી કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓમાં સામેલ નથી, પરંતુ તે પોતાની ફિટનેસ વિશે માહિતી આપવા NCAમાં હતો પણ ભારતીય ક્રિકેટ બોર્ડના સુત્રોએ TV9 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે “તે માત્ર ફિટનેસનું મૂલ્યાંકન છે. તેના મુલ્યાંકનના પગલે પૃથ્વી શોને IPL 2022માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાથી રોકી શકતું નથી.”
આ પણ વાંચો : IPL 2022 માટે દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે! બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં છૂટ મળી શકે છે
આ પણ વાંચો : IPL 2022 : યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ ‘હેક’ કરી પોતાને કેપ્ટન બનાવ્યો
Published On - 10:12 pm, Wed, 16 March 22