
IPL 2022 ની 50મી મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ દિલ્હીએ પ્રથમ બેટીંગ કરી હતી. દિલ્હીની ઓપનીંગ જોડી પ્રથમ ઓવરમાં જ તૂટી ગઈ હતી. પરંતુ ત્યાર બાદ ઓપનિંગમાં જ આવેલા ડેવિડ વોર્નરે (David Warner) રોવમેન પોવેલ (Rovman Powell) સાથે મળીને હૈદરાબાદના બોલરોને થકવી દીધા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 3 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર ખડક્યો હતો. બંને ઓપનરોએ અણનમ અડધી સદી ફટકારી હતી.
ઓપનીંગ જોડીના રુપમાં મનદીપ સિંહ અને ડેવિડ વોર્નર આવ્યા હતા. બંનેએ હૈદરાબાદે તેના બોલીંગ આક્રમણનો પ્રભાવ પ્રથમ ઓવરમાં જ દર્શાવી દીધો હતો. મનદીપ સિંહને શૂન્ય પર જ આઉટ કરીને પરત મોકલ્યો હતો. પ્રથમ ઓવર ભૂવનેશ્વર કુમાર લઈને આવ્યો હતો અને તેણે તે ઓવર મેડન કરી હતી. જોકે ત્યાર બાદ ડેવિડ વોર્નરે સહેજ પણ દબાણ વિના રમીને હૈદરાબાદના બોલરોને થકવી દીધા હતા અને તેમાં તેને રોવમેન પોવેલે સાથ પૂરાવ્યો હતો.
ડેવિડ વોર્નરે અણનમ ઈનીંગ રમી હતી. તેણે 58 બોલમાં 92 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોવમેન પોવેલે 35 બોલમાં 67 રન ફટકાર્યા હતા. તેણે 6 છગ્ગા અને 3 ચોગ્ગા પણ નોંધાવ્યા હતા. તેણે 191.43 ના સ્ટ્રાઈક રેટ થી રન બનાવ્યા હતા. આ બંનેની જોડીએ જ દિલ્હીના માટે મજબૂત સ્કોર ખડક્યો હતો અને આમ પ્રથમ ઈનીંગમાં જ દિલ્હીની સ્થિતી મેચમાં મજબૂત બનાવી દીધી હતી.
મિશેલ માર્શ અને કેપ્ટન ઋષભ પંત ઝડપથી વિકેટ ગુમાવી બેઠા હતા. માર્શ માત્ર 10 જ રન નોંધાવી શક્યો હતો. જ્યારે પંતે 3 છગ્ગા ફટકારીને તેણે 16 બોલમાં 26 રન નોંધાવી ધમાલ મચાવી હતી. પરંતુ તે શ્રેયસ ગોપાલના બોલ પર ક્લિન બોલ્ડ થયો હતો.
છેલ્લી બે મેચ થી કાશ્મિર એક્સપ્રેસની ગતી વિકેટ ઉખાડવામાં મંદ રહી છે. તો વળી ઉલ્ટાનુ ગતી રન પણ ખૂબ ખર્ચ કરવા લાગતા ચિંતા વ્યાપી છે. ઉમરાન મલિક આજે દિલ્હી સામે હૈદરાબાદનો સૌથી ખર્ચાળ બોલર રહ્યો છે. તેણે 4 ઓવરના સ્પેલમાં એક પણ વિકેટ લીધા વિના 52 રન ગુમાવ્યા છે. ત્યાર બાદ સિન એબોટ રહ્યો છે. જેણે 4 ઓવરમાં 47 રન ગુમાવ્યા હતા, પરંતુ તેણે એક વિકેટ ઝડપી છે. ભૂવનેશ્વર કુમાર સૌથી કરકસર ભર્યો બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલે પણ 3 ઓવરમાં 34 રન ગુમાવી 1 વિકેટ મેળવી હતી.
Published On - 9:21 pm, Thu, 5 May 22