
સૌરાષ્ટ્રના ઝડપી બોલર ચેતન સાકરિયા (Chetan Sakariya) નું ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ વર્ષ ધમાકેદાર રહ્યા બાદ તેની કારકિર્દીની નવી શરૂઆત કરવા માટે તૈયાર છે. તે IPL 2022 માં 2020 ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરશે. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે IPL 2022 ની મેગા હરાજીમાં ચેતન સાકરિયાને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચેતન સાકરિયાએ 2021 માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની વિકેટ લઈને ટૂર્નામેન્ટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ચેતન સાકરિયાએ આઈપીએલ 2021 માં મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ ગણાવી છે. એ પણ ખુલાસો કર્યો કે હવે તે વિરાટ કોહલીને આઉટ કરવા આતુર છે. ચેતન સાકરિયાએ 2021 ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી પંજાબ કિંગ્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. તેણે તે મેચમાં તેની ત્રીજી ઓવરમાં કેટલાક રન આપ્યા હતા. તેમાં નોબોલનો પણ સમાવેશ થતો હતો. આનાથી તે નિરાશ થઈ ગયો.
ડાબા હાથના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ ગયા વર્ષે ડેબ્યૂ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના શાનદાર પ્રદર્શનના આધારે મર્યાદિત ઓવરોની ભારતીય ટીમમાં જગ્યા બનાવી. 24 વર્ષીય ચેતને શ્રીલંકામાં ભારત માટે એક T20 અને બે ODI રમ્યો હતો. તેના નામે 3 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે. ચેતન સાકરિયાએ IPL 2021 માં 14 મેચમાં 14 વિકેટ લીધી હતી. ગુજરાતનો આ છોકરો જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ની આગેવાની હેઠળ તાજેતરની રણજી ટ્રોફી 2021-22 સિઝનમાં સૌરાષ્ટ્ર માટે રમ્યો હતો.
ચેતન સાકરિયાએ કહ્યું કે રાજસ્થાન રોયલ્સ માટે તેની પ્રથમ IPL મેચ પણ ખાસ હતી. જોકે, ધોનીની વિકેટ ગત સિઝનમાં શ્રેષ્ઠ ક્ષણ હતી. સાકરિયાએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું, “એમએસ ધોનીની વિકેટ લેવી એ મારા માટે IPL 2021 માં ચોક્કસપણે શ્રેષ્ઠ ક્ષણ છે. મારી ડેબ્યૂ રમત પણ ખાસ હતી, પરંતુ ધોની ભાઈની વિકેટ લેવા જેવું કંઈ નથી. તે રમતના મહાનાયક છે અને કોઇ દિગ્ગજને આઉટ કરવું તે એક સારો એહસાસ હોય છે.”
સાકરિયાએ નેટ્સમાં એબી ડી વિલિયર્સને બોલિંગ કરવાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તે કેટલું મુશ્કેલ હતું. જો કે, ડી વિલિયર્સ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતાં, સાકરિયા હવે IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) આઉટ કરવા માંગે છે.
ડેબ્યૂ મેચને યાદ કરતાં સાકરિયાએ કહ્યું, ‘મને મારી ડેબ્યૂ મેચમાં બેન સ્ટોક્સ સાથેની ટૂંકી વાતચીત યાદ છે. તેણે ખરેખર મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પંજાબ સામે રમતા, મેં પાવરપ્લેમાં સારી ઓવર નાંખી પરંતુ મારી ત્રીજી ઓવરમાં ગડબડ થઇ. તે ઓવરમાં મેં સારી અને ખરાબ બંને બોલ ફેંકી. તેમાં નોબોલનો પણ સમાવેશ થતો હતો. મેં એવા સમયે ઓવરસ્ટેપ કર્યું જ્યારે રમત પહેલાથી જ અમારા હાથમાંથી સરકી રહી હતી અને અમને વધારાના રન આપવાનું પોસાય તેમ નહોતું.
સાકરિયાએ આગળ કહ્યું, ‘ત્યારબાદ બેન સ્ટોક્સ મારી પાસે આવ્યા. તેણે મને કહ્યું કે મેં નો-બોલ નાખીને કોઈ ગુનો કર્યો નથી. દરેક બોલર એકવાર ઓવરસ્ટેપ કરે છે. તેણે મને ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં છેલ્લી ઓવરમાં લીધેલા 20ની યાદ અપાવી. તે કહેતો હતો કે બધા બોલ સારા હોય તે જરૂરી નથી. તે એક વાતચીત છે જે હું ખૂબ જ યાદ કરું છું.’
આ પણ વાંચો : ટેનિસ સ્ટાર રોજર ફેડરર ફરી આવ્યો બાળકોની મદદે, રશિયા-યુક્રેન યુદ્ધના અસરગ્રસ્ત 60 લાખ બાળકોને શિક્ષા પુરી પાડશે
આ પણ વાંચો : IPL 2022 નું ટાઈટલ, ટીમ ઈન્ડિયામાં વાપસી કે કેપ્ટનશિપ નહીં પણ હાર્દિક પંડ્યાનું ફોકસ માત્ર આ બાબતો પર છે