આજે ટાઇટલ માટેની ટક્કર થનારી છે. IPL 2021 ના વિજેતા બનવા માટે કાંટાની ટક્કર ધોની (Dhoni) અને ઇયોન મોર્ગન (Eoin Morgan) વચ્ચે જોવા મળશે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામ સામે થનારા છે. હાઇવોલ્ટેજ ડ્રામા દુબઇમાં થનારો છે. આજે ધોની ચોથી વાર ટ્રોફી હાથમાં લેવા માટે ના ઇરાદે મેદાને ઉતરશે. તો વળી આજે મેદાને ઉતરવા સાથે જ તેના નામે વધુ એક રેકોર્ડ લખાઇ જશે.
ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ (Team India) ટી20 વર્લ્ડકપ (T20 World Cup) જીતી ચુકી છે. આ ઉપરાંત ચેમ્પિયન્સ લીગનુ ટાઇટલ પણ તેની આગેવાનીમા ટીમ ઇન્ડીયાએ જીત્યુ છે. સાથે જ ધોનીની આગેવાનીમાં IPL ની ટ્રોફીને ચેન્નાઇ સુપર કિંગ્સ 3 વાર જીતી ચૂક્યુ છે. આમ ધોની ICC ની હોય કે લીગ ની ફાઇનલ પણ બાજી લગાવવામાં માહિર સાબિત થયો છે. એટલે જ તેને વિશ્વના સફળ કેપ્ટન તરીકે જોવામાં આવે છે.
આજે દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ધોની ફાઇનલ મેચમાં રમવા ઉતરવા સાથે જ વધુ એક રેકોર્ડ દર્જ કરશે. તેના માટે આ 300 મી ટી20 મેચ હશે. કેપ્ટનના સ્વરુપમાં ત્રણસો મેચ રમનારો તે પ્રથમ ક્રિકેટર નોંધાશે. ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ મુકામ દુનિયાનો કોઇ કેપ્ટન હાંસલ કરી શક્યો નથી.
અત્યાર સુધીમાં ધોનીની આગેવાનીમાં 299 ટી20 મેચ રમાઇ ચૂકી છે. જે પૈકી ધોની એ તેની ટીમને 176 વખત જીતનો સ્વાદ ચખાડ્યો છે. જ્યારે 118 વખત હાર સહન કરવી પડી છે. આમ ધોનીની કેપ્ટનશીપમાં સફળતાનો આંક ઉંચો રહ્યો છે.
આઇપીએલ 2021ની સિઝન તેના વિજેતાને નક્કિ કરીને સમાપ્ત થનારી છે. તો ધોની પણ આઇપીએલ સિવાય અન્ય કોઇ લીગમાં હિસ્સો નથી. આમ ધોની માટે હવે આજની મેચ તેની ટી20 ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ પણ હોઇ શકે છે. આ અંગે સિઝનની શરુઆત થી જ ચર્ચાઓ વર્તાઇ રહી છે. તેથી જ આજે તેના ચાહકો ઉંચા જીવે તેની રમતને નિહાળતા જોવા મળશે.
આ અંગે એક ટોસ દરમિયાન ધોનીએ નિવેદન કર્યુ હતુ કે, તે આગળના વર્ષે કે રમશે કે નહી. હા, તે ચોક્કસપણે સ્પષ્ટ હતું કે તે પીળી જર્સીમાં હશે, કયા સ્વરૂપમાં તે આગામી વર્ષે જ જાણી શકાશે. ધોનીની ગણતરી IPL ના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. અત્યાર સુધી આવું માત્ર એક જ વખત થયું છે જ્યારે ચેન્નઈની ટીમ IPL પ્લેઓફમાં પહોંચી ન હોય.