IPL 2021ની બાકી મેચોનું આયોજન આ વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યુએઈમાં થનાર છે. પરંતુ આ પહેલા કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મોટી ખુશખબર સામે આવી છે. તેના કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) લીગની બાકી રહેલી મેચમાં રમવાની હા ભણી દીધી છે. સ્વાભાવિક છે કે ઈયોન મોર્ગનના આ નિર્ણય બાદ KKRના માટે કેપ્ટનશીપની ચિંતા પણ દૂર થઈ ચુકી છે. ઈયોન મોર્ગન કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના રેગ્યુલર કેપ્ટન છે. જોકે તેણે લીગની બાકી રહેલી મેચોમાં રમવા માટેનો નિર્ણય ઈંગ્લેન્ડ ટીમનો બાંગ્લાદેશ સામેનો પ્રવાસ ટળવા બાદ કર્યો છે.
આ પહેલા એવા સમાચાર હતા કે IPL 2021ની બાકી રહેલી મેચોમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સામેલ નહીં થઈ શકે. તેઓ તેમાં પ્રદર્શન કરતા જોવા નહીં મળી શકે. જોકે બાંગ્લાદેશનો તેમનો પ્રવાસ 2023 સુધી ટાળવામાં આવ્યો છે. બાદમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓનો હવે IPL 2021માં રમવા માટેનો રસ્તો સાફ થઈ ચુક્યો છે. ઈયોન મોર્ગને પોતાની ઉપસ્થિતી પર મહોર લગાવીને કલકત્તા નાઈટ રાઈડર્સને વધારે મજબૂત કરવા પ્રયાસ કર્યો છે.
ઈંગ્લેન્ડે 3 વન ડે અને 3 ટી20ની સિરીઝ રમવા માટે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડવાનો હતો. પરંતુ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મંગળવારે નિવેદન જાહેર કર્યુ હતુ. જેમાં બતાવાયુ હતુ કે તે આ પ્રવાસ માર્ચ 2023 સુધી સ્થગીત કરે છે. IPLની શરુઆત 19 સપ્ટેમ્બરથી થનાર છે.
ઈયોન મોર્ગને IPL 2021માં રમવા માટે હા કહી છે. તેણે કહ્યું હતુ કે તે કેપ્ટનના રુપમાં IPLની આગળની મેચોમાં કલકત્તા નાઈટ રાઈડર્સની આગેવાની સંભાળવા ઈચ્છે છે. જ્યારે બીજા ઈંગ્લેન્ડના પ્લેયર્સ માટે IPLમાં ભાગ લેવાને લઈને કહ્યુ હતુ કે તે સૌનો વ્યક્તિગત નિર્ણય રહેશે.
મોર્ગને કહ્યું કે આ દરેક ખેલાડીના પોતાના નિર્ણય પર નિર્ભર કરે છે કે તે IPL રમવા ઈચ્છે છે કે નહીં. T20 વિશ્વકપ પહેલા અમારા માટે IPL રમવી શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. પરંતુ તે ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે તેઓ T20 વિશ્વકપ પહેલા આરામ ઈચ્છે છે કે પછી UAEમાં IPL રમીને પોતાની તૈયારીઓને વધારે સારી બનાવવા ઈચ્છે છે.