
ભારતીય ટીમ ના ઝડપી બોલર સાથે રુપિયા 44 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. નાગપુરમાં જમીન ખરીદવાના મામલે આ છેતરપિંડી આચરવામાં આવતા ઉમેશ યાદવે ફરિયાદ નોંધાવી છે. ઉમેશ યાદવે પોતાના મિત્ર અને પૂર્વ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ માટે પોતાને તૈયાર કરી રહેલા આ ઝડપી બોલર માટે ક્રિકેટ પર ધ્યાન લગાવવાને બદલે આ એક નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.
ઉમેશ યાદવને ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરી મહિનામાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચ માટેની સ્ક્વોડમાં સ્થાન મળ્યુ છે. જેને લઈ તે પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યો છે. ઉમેશ અત્યાર સુધીમાં 54 ટેસ્ટ મેચમાં 165 વિકેટ ઝડપી છે. જ્યારે વનડે ક્રિકેટમાં 75 મેચ રમી ને 106 વિકેટ ઝડપી છે.
સમાચાર એજન્સીના મુજબ નાગપુર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. જે મુજબ ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવના મિત્ર અને પૂર્વ મેનેજર શૈલેષ ઠાકરે આ છેતરપિંડી આચરી છે. ઠાકરે સામે નાગપુરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠાકરેએ એક પ્લોટ માટેની જમીન ખરીદવા માટે થઈને 44 લાખ રુપિયાનુ ચિટીંગ ઉમેશ સાથે આચર્યુ છે.
અહેવાલનુસાર નાગપુર પોલીસ અધિકારીએ કહ્યું કે, ઉમેશ યાદવની ફરિયાદ આધારે શૈલેષ ઠાકરે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. શૈલેષ સામે આઈપીએસીની કલમ 406 અને 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 37 વર્ષીય ઠાકરે કોરાડીનો રહેવાસી છે અને ઉમેશ યાદવનો મિત્ર છે. જોકે હજુ સુધી આરોપી શૈલેષ ઠાકરની ધરપકડ કરવામાં આવી નથી.
ફરિયાદમાં નોંધવામાં આવેલી વિગતો મુજબ આરોપી શૈલેષ ઠાકરે જે મેનેજર હોવા ઉપરાંત ઝડપી બોલર યાદવનો મિત્ર હતો. જે અગાઉ બેરોજગાર હતો અને તેને વર્ષ 2014ના 15 જુલાઈએ પોતાનો મેનેજર નિયૂક્ત કર્યો હતો. આ ફરજ દરમિયાન શૈલેષ ઉમેશનો તમામ ભરોસો ધરાવતો થઈ ગયો હતો અને તમામ આર્થિક લેણદેણ તે સંભાળતો હતો. નાગપુર પોલીસના અધિકારી મુજબ તે તમામ આર્થિક વ્યવહારો સંભાળતો. આ ઉપરાંત ઉમેશના બેંક એકાઉન્ટ્સ સહિત ઈન્કમટેક્ષ અને અન્ય વ્યવહારો પણ સંભાળતો હતો.
અધિકારીએ બતાવ્યુ કે, ઉમેશ એક પ્લોટ લાયક જમીન ખરીદવા ઈચ્છતો હતો. આ બાબતે ઠાકરેએ એક વેરાન જગ્યામાં પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ 44 લાખ રુપિયામાં ખરીદી શકાશે, આ માટે ઉમેશે 44 લાખ રુપિયાની રકમ ઠાકરેના ખાતામાં જમા કરી હતી. જોકે ઠાકરેએ ઉમેશના બદલે પ્લોટ પોતાના જ નામ પર ખરીદી લીધો હતો. જ્યારે આ અંગેની જાણકારી ઉમેશને મળી ત્યારે પ્લોટ પોતાને નામે કરી દેવા માટે કાર્યવાહી કરવાનુ જણાવ્યુ હતુ. ઠાકરેએ એમ કરવાથી ઈન્કાર કરી દીધો હતો. પોલીસ મુજબ ઠાકરેએ પ્લોટ માટે ખાતામાં જમા કરેલી રકમ પરત કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આખરે નાગપુર પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ઘરી છે.
Published On - 7:23 pm, Sat, 21 January 23