
આગામી મહિને ભારત પ્રવાસે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમાનારી છે. હાલમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 અને વનડે સિરીઝ સમાપ્ત થઈ છે. જ્યારે હવે બુધવાર થી ન્યુઝીલેન્ડ સાથે વનડે સિરીઝની શરુઆત થઈ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં ભારત પ્રવાસે છે, જે વનડે અને ટી20 સિરીઝ રમશે. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સાથે ભારતીય ટીમ ઘર આંગણે રેડ બોલ સિરીઝ રમશે. આ માટે રાહુલ દ્રવિડ અત્યારથી જ ઓસ્ટ્રેલિયા સામે તૈયારીઓ કરવામાં લાગી ચુક્યો છે.
ઓસ્ટ્રેલિયાઈ ટીમને ઘર આંગણે પરાસ્ત કરવા માટે હેડ કોચ બારીકાઈથી તૈયારીઓ કરી રહ્યા છે. તેઓએ આ માટે એક બુકનો પણ સહારો લીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતે 3 ટેસ્ટ મેચો જીતવી જરુરી છે. આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં સ્થાન બનાવવા માટે આ જીત મેળવવી પડશે. આ માટે દ્રવિડ હવે જીત માટે યોજનાઓ ઘડી રહ્યો છે.
સ્પીનરો સામે કેવી રીતે યોજવા ઘડવી એ માટે થઈને તૈયારીઓ કરવા માટે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ એક બુક વાંચતા નજર આવી રહ્યા છે. આ બુક દ્વારા તેઓ ભારતીય બેટ્સમેનોને ઓસ્ટ્રેલિયાના સ્પિન આક્રમણ સામે કેવી રીતે સજ્જ રાખવા એમ તૈયારી કરતા હોય એમ લાગી રહ્યુ છે. આ ખાસ બુક નાથન લેમન અને બેન જોન્સની છે. બુકનુ નામ Hitting against the spin (by Nathan Leamon & Ben Jones) છે.
ભારતીય બેટ્સમેનો છેલ્લા કેટલાક વર્ષથી સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યાનુ જોવા મળી રહ્યુ છે. ઓસ્ટ્ર્લિયા આ જ સ્થિતીનો લાભ ઉઠાવવા માટે ભારત પ્રવાસે સ્પિન તાકાત સાથે આવી રહ્યુ છે. જ્યાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં કાંગારુ સ્પિનરો તાકાત અજમાવતા જોવા મળશે. એટલે જ દ્રવિડ પણ કાંગારુઓના સ્વાગત માટે તૈયારીઓ કરે એ સ્વાભાવિક છે.
વિરાટ કોહલીના સ્પિનર સામેની મુશ્કેલીની વાતની શરુઆત કરીએ, તો નાથન લાયન સામે મુશ્કેલી અનુભવાઈ છે. રોહિત પણ નાથન સામે મુશ્કેલીઓ અનુભવી ચુક્યો છે. કોહલીએ નાથનનો સામનો 9 ટેસ્ટ મેચોમાં કર્યો છે. નાથને કોહલીને 4 વાર આઉટ કરવામાં સફળ રહ્યો છે. તેની સામે કોહલીએ 93 રન મેળવ્યા છે. કોહલી છેલ્લા 2 વર્ષ એટલે કે 2021 થી જોવામાં આવે તો, 21 ઈનીંગમાં 12 વખત સ્પિનરો સામે વિકેટ ગુમાવી છે. દરમિયાન તેણે 384 રન 25.66ની એવરેજથી બનાવ્યા છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 12 ઈનીંગમાં નાથન લાયન સામે 6 વખત વિકેટ ગુમાવી ચુક્યો છે. આ ઓસ્ટ્રેલિન સ્પિનર સામે તે 22.50ની સરેરાશથી 135 રન બનાવી શક્યો છે. જ્યારે ચેતેશ્વર પુજારા પણ આ સંઘર્ષની કહાનીમાં સામેલ છે. નાથન લાયન સામે પુજારા 12 ઈનીંગમાં 5 વખત વિકેટ ગુમાવી બેઠો છે. આ દરમિયાન તેણે 176 રન નોંધાવ્યા છે.
Published On - 10:00 am, Mon, 16 January 23