2023માં Team India ક્યાં, ક્યારે રમશે મેચ, અહીં જાણો પૂરુ શેડ્યૂલ

Cricket Calendar 2023: ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2023 મહત્વનુ રહેનારુ છે. આ વર્ષે ટીમ ઈન્ડિયા ઘર આંગણે વનડે વિશ્વકપ રમશે અને તેને જીતવા દમ લગાવશે.

2023માં Team India ક્યાં, ક્યારે રમશે મેચ, અહીં જાણો પૂરુ શેડ્યૂલ
Indian Cricket Team full schedule of 2023
| Edited By: | Updated on: Jan 01, 2023 | 9:29 AM

ભારતીય ક્રિકેટ ચાહકો માટે નવુ વર્ષ સારુ નિવડવાની આશાઓ છે. નવા ઉત્સાહ સાથે શ્રીલંકા સામે ટી20 શ્રેણીથી ભારતીય ટીમ નવા વર્ષના અભિયાનની શરુઆત કરશે. વર્ષ 2022 ભારતીય ચાહકો માટે ખાસ રહ્યુ નહોતુ. પહેલા એશિયા કપ અને બાદમાં ટી20 વિશ્વકપમાં સફળતાઓ મળી શકી નહોતી. બંને ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમ પહોંચી શકી નહોતી. હવે નવા વર્ષમાં ભારતીય ટીમ નવા ઉત્સાહ સાથે મહત્વની ટૂર્નામેન્ટ્સમાં સફળતા મેળવવા પ્રયત્ન કરશે. આ વર્ષે ભારતમાં વનડે વિશ્વકપ 2023 રમાનાર છે.

ઘર આંગણે વિશ્વકપમાં ભારતીય ટીમ જીત મેળવવા માટે પૂરો દમ લગાવી દેશે. ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે વર્ષ 2011માં વન ડે વિશ્વકપ જીત્યો હતો. આમ લાંબા સમયથી ભારતીય ચાહકો વિશ્વકપ ટ્રોફીને ભારતીય ક્રિકેટ ટીમના હાથમાં જોવાની પળની રાહ જોઈ રહ્યા છે.

શ્રીલંકા ભારત પ્રવાસ કાર્યક્રમ, જાન્યુઆરી

ભારતીય ટીમ વર્ષની પ્રથમ શ્રેણી શ્રીલંકા સામે કરશે. 3 મેચોની ટી20 શ્રેણી અને બાદમાં ત્રણ મેચોની વન ડે શ્રેણી રમાશે. હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળશે.

ભારત vs શ્રીલંકા T20 શ્રેણી
તારીખ મેચ સ્થળ
3, જાન્યુઆરી પ્રથમ T20 વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
5, જાન્યુઆરી બીજી T20 MCA સ્ટેડિયમ, મુંબઈ
7, જાન્યુઆરી ત્રીજી T20 SCA સ્ટેડિયમ રાજકોટ

 

10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થશે જેનુ સુકાન નિયમીત કેપ્ટન રોહિત શર્મા સંભાળશે, જ્યારે હાર્દિક પંડ્યા ઉપકપ્તાન રહેશે.

 

ભારત vs શ્રીલંકા વનડે શ્રેણી
તારીખ મેચ સ્થળ
10, જાન્યુઆરી પ્રથમ વનડે બારસાપરા સ્ટેડિયમ, ગુવાહાટી
12, જાન્યુઆરી બીજી વન ડે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા
15, જાન્યુઆરી ત્રીજી વનડે ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ કાર્યક્રમ, જાન્યુઆરી-ફેબ્રુઆરી

ન્યુઝીલેન્ડની ટીમ પણ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ ખેડનાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે અને ટી20 શ્રેણી રમાશે. જેમાં પ્રથમ 3 મેચોની વનડે શ્રેણી 18 જાન્યુઆરીથી શરુ થશે.

 

ભારત vs  ન્યુઝીલેન્ડ વનડે શ્રેણી
તારીખ મેચ સ્થળ
18, જાન્યુઆરી પ્રથમ વનડે રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ
21, જાન્યુઆરી બીજી વન ડે શહિદવીર નારાયણસિંહ સ્ટેડિયમ, રાયપુર
24, જાન્યુઆરી ત્રીજી વનડે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ, ઈન્દોર

 

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે ટી20 શ્રેણીની શરુઆત 27 જાન્યુઆરીથી થશે

ભારત vs  ન્યુઝીલેન્ડ T20 શ્રેણી
તારીખ મેચ સ્થળ
27, જાન્યુઆરી પ્રથમ T20 જેએસસીએ સ્ટેડિયમ, રાંચી
29, જાન્યુઆરી બીજી T20 ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ
1,ફેબ્રુઆરી ત્રીજી T20 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

 

ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસ કાર્યક્રમ, ફેબ્રુઆરી-માર્ચ

વ્હાઈટ બોલ શ્રેણી બાદ તુરત જ ભારતીય ટીમ રેડ બોલ ક્રિકેટ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે ફેબ્રુઆરીમાં આવનાર છે. જે પ્રવાસની શરુઆત 4 મેચોની ટેસ્ટ શ્રેણી સાથે થશે.

ભારત vs  ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી
તારીખ મેચ સ્થળ
9-13, ફેબ્રુઆરી પ્રથમ ટેસ્ટ VCA સ્ટેડિયમ નાગપુર
17-21, ફેબ્રુઆરી બીજી ટેસ્ટ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્લી
1-5, માર્ચ ત્રીજી ટેસ્ટ HPCA સ્ટેડિયમ, ધર્મશાલા
9-13, માર્ચ ચોથી ટેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી માર્ચ માસમાં રમાશે, જેની શરુઆત 17 માર્ચથી થશે.

 

ભારત vs  ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી
તારીખ મેચ સ્થળ
17, માર્ચ પ્રથમ વનડે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
19, માર્ચ બીજી વનડે VDCA સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
22, માર્ચ ત્રીજી વનડે એમએ ચિદમ્બરમ, ચેન્નાઈ

 

WTC Final-જૂન માસ

ભારતીય ટીમ હાલમાં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમ અહીં પહોંચવામાં સફળ થાય છે. જૂન માસમાં ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમતી જોવા મળી શકે છે. ફાઈનલ મેચની તારીખનુ એલાન હજુ કરવામા આવ્યુ નથી. જોકે તે જૂનના પ્રથમ સપ્તાહમાં હોઈ શકે છે.

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખેડશે-જુલાઈ-ઓગષ્ટ

ઘર આંગણે ટી20, વનડે અને ટેસ્ટ મેચોની શ્રેણી રમ્યા બાદ દ્વી પક્ષીય શ્રેણી રમવા માટે ભારત વર્ષનો પ્રથમ વિદેશ પ્રવાસ ખેડશે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારત 2 ટેસ્ટ મેચની શ્રેણી અને 3 ટી20 મેચની શ્રેણી રમશે. જોકે આ માટેની તારીખ અને સ્થળ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

 

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ-સપ્ટેમ્બર

ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ટીમ ભારતનો પ્રવાસ ખેડશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી રમાશે. આ સિરીઝ માટે હજુ તારીખ અને સ્થળ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ફરીથી નવેમ્બરમાં ભારતનુ મહેમાન બનશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝ રમાશે. જેની પણ તારીખ અને સ્થળ જાહેર થયા નથી.

ACC એશિયા કપ 2023 -ઓક્ટોબર

ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં એશિયા કપમાં ભાગ લેશે. જો કે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ તેના યજમાન દેશમાં ફેરફાર થવાની સંભાવના છે કારણ કે BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય. તેની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી.

અંતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ ખેડશે

વર્ષના અંતમાં ભારત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. આ પ્રવાસ ડિસેમ્બરથી શરૂ થશે. ભારત આ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

Published On - 9:03 am, Sun, 1 January 23