
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે બીજી T20 મેચ રવિવારે ગુવાહાટીમાં રમાશે. શ્રેણીમાં 1-0 થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ (Indian Cricket Team) ની નજર ગુવાહાટીમાં વિજય મેળવી શ્રેણી જીતવા પર છે. આ મેચને લઈને સમગ્ર ગુવાહાટી (Guwahati) માં ગજબ ઉત્સાહ છવાઈ ગયેલો છે. ચાહકો એકદમ અધીરા દેખાઈ રહ્યા છે. લાંબી રાહ જોયા બાદ ગુવાહાટીમાં યોજાનારી આ મેચ માટે ચાહકો એટલા ઉત્સાહિત છે કે તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. એટલે કે આખું સ્ટેડિયમ ફુલ થઈ જશે. એક પણ બેઠક ખાલી નહીં રહે. આમ ભરચક સ્ટેડિયમ મેચ દરમિયાન ગૂંજતુ જોવા મળશે.
આસામ ક્રિકેટ એસોસિએશન (એસીએ)ના સચિવ દેવજીત સાઈકિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ટિકિટોના પારદર્શક વેચાણને કારણે ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ વધ્યો છે. તેમણે કહ્યું કે તે સ્ટેડિયમ ભરાઈ જવાની પણ અપેક્ષા રાખે છે.
સાઈકિયાએ જણાવ્યું કે સ્ટેડિયમમાં લગભગ 38 હજાર સીટો છે, જેમાંથી 21 હજાર 200 ટિકિટ સામાન્ય લોકો માટે હતી. આ ટિકિટો બે તબક્કામાં ઓનલાઈન વેચાઈ હતી. ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ થતાંની સાથે જ તે ટૂંક સમયમાં વેચાઈ ગઈ. તેમણે કહ્યું કે કાઉન્ટર પર 12 હજાર ટિકિટ વેચાઈ હતી અને આ ટિકિટો જિલ્લા એસોસિએશન દ્વારા વેચવામાં આવી હતી.
Thiruvananthapuram ✅
Hello Guwahati 👋#TeamIndia | #INDvSA | @mastercardindia pic.twitter.com/QQU2cdVxF5
— BCCI (@BCCI) September 30, 2022
આસામ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જિલ્લા એસોસિએશનોને મોકલવામાં આવેલી 40 થી 50 ટકા ટિકિટો વેચાયા વિના પરત કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે માંડ જ 100 ટિકિટો પરત આવી છે. તેમણે કહ્યું કે બાકીની ટિકિટો રાજ્ય સંઘોને મોકલવામાં આવે છે, જે મહેમાનોને પાસ તરીકે આપવામાં આવે છે.
વાસ્તવમાં આ સ્ટેડિયમમાં 39 હજાર 500 દર્શકોની ક્ષમતા છે, પરંતુ 1500 સીટ પરથી મેદાન દેખાતું નથી. જાન્યુઆરી 2020માં છેલ્લી મેચ વરસાદને કારણે થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં ચાહકો આ મેચ માટે ઉત્સુક છે. મેચનો રોમાંચ ગુવાહાટીમાં ગુંજી રહ્યો છે. ગુવાહાટીમાં, બધાની નજર મોહમ્મદ સિરાજ પર રહેશે, જેને ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહની જગ્યાએ સમાન શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Published On - 11:13 am, Sun, 2 October 22