
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં વનડે શ્રેણીની બીજી મેચ રમાઈ હતી. ભારતે બીજી વનડેમાં શાનદાર જીત મેળવી છે. રોહિત શર્માએ ટોસ જીતીને લક્ષ્યનો પિછો કરી જીત મેળવવાની યોજના અમલમાં મુકી હતી. જેમાં ભારતીય ટીમ સફળ રહી હતી. ભારતીય ટીમના બોલિંગ આક્રમણ સામે ન્યુઝીલેન્ડની ટીમ 34.3 ઓવર રમીને 108 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે આસાન લક્ષ્ય પાર કરી લઈ સિરીઝ પોતાને નામ કરી લીધી હતી. ભારતે સિરીઝમાં 2-0 થી અજેય લીડ મેળવી છે. ભારતીય સુકાની રોહિત શર્માએ અડધી સદી નોંધાવી હતી.
આ પહેલા ભારતે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં 12 રનથી વિજય મેળવ્યો હતો. જેમાં બેટ્સમેનોએ કમાલની બેટિંગ કરી હતી. ખાસ કરીને શુભમન ગિલે બેવડી સદી નોંધાવતા ભારત 349 રનનો વિશાળ સ્કોર ખડકી શક્યુ હતુ. રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરીને કિવી ટીમ ઓલઆઉટ કરી દીધી હતી.
ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ શાનદાર ઈનીંગ રમી હતી. તેણે આસાન લક્ષ્યને સરળતાથી જીતી લેવા માટે આરામથી રમત દર્શાવી હતી. રોહિતે 47 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. રોહિત શર્માએ 50 બોલનો સામનો કરીને 51 રનનુ યોગદાન આપ્યુ હતુ. ઓપનર શુભમન ગિલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે ગિલ અને રોહિતે 72 રનની પાર્ટનરશિપ કરી હતી. એક સમયે એમ લાગી રહ્યુ હતુ કે, વિના વિકેટે ભારત લક્ષ્ય પાર કરી લેશે. પરંતુ રોહિતે 15 મી ઓવરમાં શિપ્લીના બોલ પર લેગબિફોર વિકેટ ગુમાવી બેઠો હતો.
શુભમન ગિલે અણનમ 40 રનની ઈનીંગ રમી. તેણે 53 બોલનો સામનો કરીને અણનમ રમત રમી હતી. ગિલ શરુઆતથી અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. રોહિત બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. વિરાટ કોહલી અને શુભમન ગિલ બંનેએ રમતને લક્ષ્ય તરફ આગળ વધારી હતી. વિરાટ કોહલીએ 9 બોલનો સામનો કરીને 11 રન નોંધાવ્યા હતા. તે આગળ આવીને શોટ લગાવવાના ચક્કરમાં વિકેટકીપર દ્વારા સ્ટંપિંગ આઉટ થયો હતો. ઈશાન કિશન 8 રન નોંધાવી અણનમ રહ્યો હતો.
ભારતીય બોલરોએ શરુઆતથી જ ન્યુઝીલેન્ડ સામે ધાક જમાવી દીધી હતી. પહેલા શૂન્ય રન પર જ મેચની પ્રથમ ઓવરમાં શમીએ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ આ સિલસિલો 35 ઓવર લગી ચાલ્યો હતો. શમીએ 3 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડની અડધી ટીમ માત્ર 15 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. 9 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. બ્રેસવેલ, ગ્લેન ફિલીપ અને સેન્ટનરે ટીમના સ્કોર બોર્ડને થોડુ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય બેટ્સમેનો ડબલ ડિજીટના આંકડે રન નોંધાવવામાં સફળ રહ્યા હતા. જ્યારે પ્રવાસી ટીમના 8 બેટ્સમેનો ડબલ ડિજીટમાં પહોંચી શક્યા નહોતા.
ભારત તરફથી બોલિંગ કરતા શમીએ 3 વિકેટ ઝડપવા ઉપરાંત હાર્દિક પંડ્યાએ 6 ઓવરના સ્પેલમાં 3 ઓવર મેડન કરવા સાથે 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવર કરીને 7 રન ગુમાવી 2 વિકેટ ઝડપી હતી. સિરાજે 6 ઓવરમાં 10 રન ગુમાવી એક વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે એક એક વિકેટ ઝડપી હતી.
Published On - 6:24 pm, Sat, 21 January 23