
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. યજમાન બાંગ્લાદેશની હાલત પ્રથમ ટેસ્ટ મેચમાં કફોડી થઈ ચુકી છે. ભારતીય બોલરોના આક્રમણ સામે બાંગ્લાદેશ બીજા દિવસની રમત સુધીમાં 133 રન 8 વિકેટના નુકશાને નોંધાવી શક્યુ છે. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બાંગ્લાદેશ ના બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા.
મુશ્ફિકુર રહીમે 28 અને યજમાન ટીમના મહત્વના ખેલાડી લિટ્ટન દાસે 24 રનની ઈનીંગ રમી હતી. જ્યારે ઝાકિર હસને 20 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમે આ પહેલા ટોસ જીતીને પ્રથમ ઈનીંગ રમતા 404 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ચેતેશ્વર પુજારાએ 90 રનની શાનદાર ઈનીંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 86 રનની ઈનીંગ રમી હતી. અશ્વિને પણ અડધી સદી નોંધાવી હતી.
બાંગ્લાદેશની શરુઆત ખરાબ રહી હતી. નઝમુલ હસન શાંતો ઈનીંગના પ્રથમ બોલ પર જ શૂન્ય રને શિકાર થઈ ગયો હતો. મોહમ્મદ સિરાજે શાનદાર બોલ પર ઋષભ પંતે તેનો કેચ ઝડપીને શિકાર કર્યો હતો. ત્યાર બાદ 5 રનના સ્કોર પર યાસીર અલીની વિકેટ ઉમેશ યાદવે ઝડપી હતી. તેણે યાસીરને બોલ્ડ કરી દીધો હતો. બાંગ્લાદેશનો મહત્વનો ખેલાડી લિટ્ટન દાસ પણ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
મોહમ્મદ સિરાજે બાંગ્લાદેશના બેટ્સમેનોને પરેશાન કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. તેણે લિટ્ટન દાસ અને જાકિર હસનને આઉટ કરીને યજમાન ટીમની હાલત બગાડી દીધી હતી.
ચેતેશ્વર પૂજારા રમતના પહેલા દિવસે સદી ચૂકી ગયો હતો અને બીજા દિવસે શ્રેયસ અય્યર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. અય્યર પહેલા દિવસે બે કેચ ચૂકી ગયો હતો, બીજા દિવસે પણ તેને જીવનદાન મળ્યું હતું, પરંતુ તેમ છતાં તે સદીથી 14 રન દૂર રહ્યો હતો. ઇબાદત હુસૈન 86ના સ્કોર પર અય્યરને બોલ્ડ કર્યો હતો.
જો કે આ પછી અશ્વિન અને કુલદીપ યાદવની જોડીએ ક્રિઝ પર પેગ લીધો હતો. આ બંને બેટ્સમેનોએ 200 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની 13મી અડધી સદી ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવે પણ 40 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી. આ બે ઇનિંગ્સના કારણે ભારતે 400નો સ્કોર પાર કર્યો.
Published On - 5:09 pm, Thu, 15 December 22