
ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ પ્રવાસે છે, જ્યા રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે વન ડે શ્રેણી રમનાર છે. વન ડે શ્રેણીનો માહોલ હોય એટલે સ્વાભાવિક વાત પણ વન ડે વિશ્વકપની પણ નિકળે જ. આવી જ વાત બાંગ્લાદેશ સામેની શ્રેણીની શરુઆત પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં થઈ હતી. વન ડે વર્લ્ડ કપ ને આડે હવે થોડા મહિનાઓનો સમય રહ્યો છે, જ્યારે ટી20 વિશ્વકપ હમણા જ પુરો થયો છે. આમ હવે તમામ ક્રિકેટ ટીમોની નજર વન ડે વિશ્વકપ તરફ જ હોય એ પણ સાહજીક છે. બાંગ્લાદેશ સામેની વન જે શ્રેણીને ટીમ ઈન્ડિયા માટે વિશ્વકપ માટેની તૈયારીઓની નજર થી જોવામાં આવી રહી છે. જોકે રોહિત શર્માએ આ અંગે થોડી અલગ વાત કરી છે. તેણે હાલમાં એક શ્રેણીની નજરે જ જોઈને આયોજન કરતા હોવાની વાત કહી છે.
વન ડે વિશ્વકપ ભારતમાં રમાનારો છે, આમ ભારતીય જમીન પર રમાનારા વિશ્વકપની ટ્રોફી ટીમ ઈન્ડિયાના હાથોમાં જોવા માટે ચાહકો આતુર છે. આ માટે જોકે ભારતે વન ડે વિશ્વકપની તૈયારીઓ કચાશ રાખ્યા વિના કરવી પડશે. અને હવે વન ડે શ્રેણીની શરુઆતને તૈયારીઓના રુપે એટલે જ જોવામાં આવી રહી છે. બાંગ્લાદેશ પ્રવાસમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના અનુભવી સ્ટાર ખેલાડીઓ પણ જોડાઈ ચૂક્યા છે. જે ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન આરામ પર રહ્યા હતા. આવી સ્થિતીમાં હવે ટીમ ઈન્ડિયા તૈયારીઓની શરુઆત સારી બનાવવા માટે શ્રેણીમાં શાનદાર વિજય મેળવે એ જરુરી છે. જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશ્વકપને હજુ દૂર હોવાનુ માને છે.
જોકે ભારતીય કેપ્ટન બાંગ્લાદેશ પ્રવાસને તૈયારીઓનો ભાગ નથી સ્વિકારી રહ્યો. રોહિતની વિચારશરણી થોડી અલગ છે. શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સ્પષ્ટતા ભરી વાત કહી હતી અને વિશ્વકપના માટે વિચારવા હજુ સમય છે. તેણે કહ્યુ જ્યારે પણ તમે મેચ રમો છો, ત્યારે તે કંઈકને કંઈક માટે તૈયારીના માટે હોય છે. વર્લ્ડ કપને હજુ આઠ-નવ મહિના બાકી છે. આપણે આટલું આગળ વિચારી શકતા નથી. અમારે એક ટીમ તરીકે શું કરવાની જરૂર છે તેના પર નજર રાખવી જોઈએ.
રોહિતે એમ પણ કહ્યું હતું કે આવી ઉતાવળથી કોઈ ફાયદો થશે નહીં પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે ટીમની થિંક-ટેંકને ખબર છે કે કઈ દિશામાં આગળ વધવું છે. રોહિત શર્માના મતે, આપણા માટે મહત્વપૂર્ણ છે કે આપણે આટલી બધી બાબતો વિશે વિચારવાનું શરૂ ન કરીએ. જેમ કે આપણે આ ખેલાડી અથવા તે ખેલાડીને ખવડાવવું જોઈએ. મને અને કોચને ખબર છે કે શું કરવું. જ્યારે વર્લ્ડ કપ નજીક છે, ત્યારે અમે તેમાં ઝડપ બતાવીશું.
બાંગ્લાદેશમાં રવિવારે 4 ડિસેમ્બરથી વન ડે શ્રેણી શરુ થનારી છે. બાકીની બંને મેચો 7 અને 10 ડિસેમ્બરે રમાનારી છે. ત્યાર બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાનારી છે. જે 14 ડિસેમ્બરથી શરુ થશે.