ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત ગુરુવાર સવારથી થઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનારી છે. સિરીઝ પર દુનિયાભરની નજર મંડરાઈ છે, બંને મજબૂત ટીમો એક બીજાની સામે છે, તો આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની ટીમ સિરીઝના પરિણામ સાથે નક્કી થશે. ટીમ ઈન્ડિયા મજબૂત અંતિમ ઈલેવનને મેદાને ઉતારીને સિરીઝની શરુઆત જબરદસ્ત કરવા ઈચ્છશે. મજબૂત ટીમમાં સામેલ થવા માટે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ બંને દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ નાગપુર ટેસ્ટના એક દીવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, એ બાબતે સસ્પેન્શ જાળવી રાખ્યુ છે. સુકાની રોહિત શર્માએ ઈલેવનને લઈ કહ્યુ હતુ કે, બધુ જ ટોસ સમયે જાણમાં આવશે.
શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બંને હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને કાંગારુ ટીમના બોલિંગ આક્રમણનો મજબૂતાઈથી સામનો કરીને હરીફ ટીમની રણનિતી બગાડી શકે છે. બંને બેટરો ટીમમાં સામેલ થવા માટે પ્રબળ દાવેદાર માનાવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન બુધવારે ભારતીય ટીમના સુકાનીએ બતાવ્યુ હતુ તે, બેટિંગ અને બોલિંગની પ્રાથમિકતાઓને ખુલ્લી કરી શકે એમ નથી. આમ છતાં એક વાત કહી હતી કે, બહુસંખ્યક મેચોની સિરીઝમાં પિચના આધાર પર પ્લેઈંગ ઈલેવન પસંદ કરવામાં આવી શકે છે.
રોહિતને પ્લેઈંગ ઈલેવનમાં બંને ફોર્મમાં રહેલા ખેલાડીઓ વિશે સવાલ થયો હતો. ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતા ખેલાડીને પણ ટીમથી બહાર નહીં કરાય. રોહિતે બતાવ્યુ હતુ કે, અંતિમ ઈલેવન નક્કી કરતી વખતે જે ખેલાડીના ફોર્મની સાથે પિચ પર ખેલાડીના કૌશલ્યને એટલુ જ ધ્યાને રાખવામાં આવશે. જોકે આ આકરો નિર્ણય હશે, પરંતુ અમને ખ્યાલ છે કે, ઘણાં ખેલાડીઓ સારા ફોર્મમાં છે આ ટીમ માટે સારો સંકેત છે.
આગળ પણ રોહિતે કહ્યું, પસંદગી એક મુદ્દો છે અને તે દર્શાવે છે કે ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ટીમના દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમારે માત્ર દરેક પીચને જોવી પડશે અને શ્રેષ્ઠ ઈલેવન પસંદ કરવી પડશે. અમે ભૂતકાળમાં પણ એવું જ કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું.
ભારતીય કેપ્ટને કહ્યું, ખેલાડીઓ માટે સંદેશ સ્પષ્ટ છે. અમે પીચના આધારે ખેલાડીઓને રમાડવા માટે તૈયાર છીએ. પીચ ગમે તે હોય, અમને જે પણ જરૂર પડશે અમે તેને ટીમમાં સામેલ કરીશું. આ એક સામાન્ય બાબત છે.
Published On - 6:45 pm, Wed, 8 February 23