ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર 19 માર્ચે શ્રેણીની બીજી વનડે મેચ રમાનારી છે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાનારી છે. ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી. જેમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ રહી શક્યો નહોતો. જેથી હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ. વિશાખાપટ્ટનમમાં રોહિત શર્મા પરત ફરવા સાથે ટીમની આગેવાની સંભાળશે. સિરીઝની પ્રથમ મેચ ભારતે જીતી લેતા 1-0 થી સરસાઈ મેળવી છે. હવે બીજી વનડે મેચ જીતીને સિરીઝ પોતાને નામે કરવાનો ઈરાદો ટીમ ઈન્ડિયાનો રહેશે. જોકે બીજી વનડેમાં વરસાદ મજા બગાડી શકે છે. વિશાખાપટ્ટનમના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે.
આંધી સાથે વરસાદ વરસવાની આગાહી પહેલાથી જ કરવામાં આવી છે. આમ વિશાખાપટ્ટનમમાં રવિવારે ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ વરસી શકે છે. જોકે મેચની શરુઆતે રાહત રહેવાની આશા છે, પરંતુ પાંચ વાગ્યાના અરસા દરમિયાન વરસાદી માહોલ સર્જાઈ શકે છે. વરસાદ અટકી અટકીને પણ આવી શકે છે. આમ મેચમાં વરસાદનુ સંકટ રહેવાની આગાહી પહેલાથી જ થઈ ચુકી છે.
એક વાતે એ રાહત રહેશે કે, વિશાખાપટ્ટનમમાં વરસાદ છતાં મેચને ઓછા સમયમાં ફરીથી શરુ કરી શકાશે. અહીં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ સારી છે. જેને લઈ ઝડપથી મેદાનને કોરુ કરી શકાશે અને મેચને ફરીથી શરુ કરી શકાશે. જોકે આમ છતાં પણ જે રિતે હવામાનની આગાહી છે, એ પ્રમાણે રોકાઈ રોકાઈને વરસાદ આવતો જતો રહેશે તો રમતને અસર પહોંચી શકે છે. બંને ટીમોને જીતની આશા છે, એવા સમયે વરસાદનુ સંક્ટ રમતને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.
પ્રથમ વનડે મેચમાં ભારતીય બોલરોએ દમ દેખાડ્યો હતો. ખાસ કરીને ઝડપી બોલરોની રમત શાનદાર રહી હતી. મોહમ્મદ સિરાજ અને શમીએ 3-3 વિકેટ ઝડપી હતી. જેને લઈ ઓસ્ટ્રેલિયાની બેટિંગ ઈનીંગ 188 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હવે વિશાખાપટ્ટનમમાં પણ આવો જ દમ ફરી એકવાર દેખાડવો પડશે. નિષ્ણાંતોના અનુમાન મુજબ વરસાદી માહોલમાં ઝડપી બોલરો રિવર્સ સ્વિંગ કરાવી શકશે.
સાથે જ ભારતીય ટીમે પ્રથમ મેચમાં ભલે જીત મેળવી હોય પરંતુ બેટિંગમાં સુધારો કરવો પડશે. આસાન સ્કોર સામે ભારતીય ટીમ મુંબઈમાં મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન સહિતના ખેલાડીઓ ઝડપથી વિકેટ ગુમાવી પરત ફર્યા હતા.
Published On - 9:09 am, Sun, 19 March 23