ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ટેસ્ટના પ્રથમ બંને દિવસ સમાપ્ત થઈ ચુક્યા છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 ની અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 480 રનનો સ્કોર પ્રથમ દાવમાં ખડક્યો છે. ભારતીય બોલરો બે દિવસ વિકેટની શોધમાં રહ્યા અને બીજા દિવસના અંતિમ સેશનમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ સમેટવામાં સફળતા ભારતને મળી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર અને કોમેન્ટેટર મેથ્યૂ હેડને રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો કરી દીધા છે.
રોહિત શર્મા પણ નિશાન તાકતા મેથ્યૂ હેડને કહી દીધુ હતુ કે, ભારતને વિરાટ કોહલીની આગેવાનીની ખોટ સાલી છે. મેથ્યૂ હેડને રોહિત શર્માને આમ સવાલોના કઠેડામાં ઉભો કરી દીધો છે. ભારતે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં 2-1ની લીડ મેળવી છે. અંતિમ ટેસ્ટમાં ભારતને વિકેટો મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. રોહિત શર્મા બીજા દિવસની રમતના અંતે રમતમાં હતો, જે શનિવારે ભારતીય દાવને આગળ વધારશે.
અંતિમ ટેસ્ટમાં અગાઉની ત્રણ ટેસ્ટ મેચ કરતા અલગ માહોલ ધરાવતી પીચ મળી છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ એકદમ સપાટ છે. અહીં પીચ બેટરોને મદદરુપ નિવડી રહી છે. જોકે અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડીંગમાં કેટલીક ઓવરો દરમિયાન સવાલ ઉઠ્યા છે. ખાસ કરીને કેટલીક ઓવરોમાં રક્ષણાત્મક ફિલ્ડીંગની ગોઠવણીને લઈ સવાલ ઉઠ્યા હતા.
હેડન આ વખતે કોમેન્ટ્રી કરી રહ્યો હતો અને તેણે આ દરમિયાન જ કહ્યુ હતુ કે, કેપ્ટનશિપના મામલે વિરાટ કોહલીની ખોટ વર્તાઈ રહી છે. તેમણે કહ્યુ “ભારતને કેપ્ટન તરીકે વિરાટ કોહલીની ખોટ સાલે છે, તેની વ્યૂહરચના નિશાન પર રહેતી હતી. રોહિત શર્મા ખરાબ નથી પરંતુ તે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર દબાણ લાવવામાં સક્ષમ નથી.”
ગત વર્ષે જ વિરાટ કોહલીએ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી હતી. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ 68 મેચોમાં આગેવાની સંભાળી હતી. તેના સુકાન હેઠળ ભારતે 40 મેચોમાં જીત મેળવી હતી. આ એક રેકોર્ડ જીત છે. રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો નિયમીત કેપ્ટન છે અને તેની શરુઆત સારી રહી હતી. જોકે અંતિમ બંને ટેસ્ટમાં આકરી કસોટી થઈ રહી છે.