
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની શરુઆત થઈ છે. સિરીઝની પ્રથમ મેચ ભારતીય ટીમે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 188 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય બોલરો યોજના મુજબ ઝડપથી ઓસ્ટ્રેલિયન ટીમને સમેટવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમની શરુઆત પણ ખાસ રહી નહોતી અને એક સમયે મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી. જોકે કેએલ રાહુલે શાનદાર રમત દર્શાવીને ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી હતી.
કેએલ રાહુલે શાનદાર અડધી સદી નોંધાવી હતી. રવિન્દ્ર જાડેજા સાથે મળીને તેણે મહત્વની ભાગીદારી રમત રમી હતી. નિયમીત કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વનડે મેચમાં ઉપલબ્ધ નહીં રહેતા ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યાએ સંભાળ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. જે રણનિતી સફળ નિવડી હતી અને ભારતે જીત મેળવી હતી.
ભારતીય ઓપનીંગ જોડીના રુપમાં ઈશાન કિશન અને શુભમન ગિલ આવ્યા હતા. બંનેની જોડી માત્ર 5 જ રનના સ્કોરમાં તૂટી ગઈ હતી. ઈશાન કિશન બીજી ઓવરમાં 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. તે લેગ બિફોર વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. ત્યાર બાદ ત્રીજા ક્રમે આવેલ વિરાટ કોહલી પણ માત્ર 4 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. તેના આગળના બોલ પર સૂર્યકુમાર યાદવ શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. આમ બેકટુ બેક કોહલી અને સૂર્યાની વિકેટ ભારતે ગુમાવતા જ સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી.
ગિલ અને હાર્દિક પંડ્યાએ સ્થિતી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગિલ ટીમના 39 રનના સ્કોર ચોથી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. ગિલે 31 બોલનો સામનો કરીને 20 રન નોંધાવ્યા હતા. હાર્દિક પંડ્યા પાંચમી વિકેટના રુપમાં વિકેટ ગુમાવી હતી. તે31 બોલનો સામનો કરીને 25 રન નોંધાવીને પરત ફર્યો હતો.
એક સમયે ટીમ ઈન્ડિયા માટે સ્થિતી મુશ્કેલ બની ચુકી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ આજે ફ્લોપ રહ્યા હતા. વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઈ ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. 16 રનમાં જ ભારતે ટોચની ત્રણ વિકેટોને ગુમાવી દીધી હતી, જેમાં વિરાટ કોહલીની વિકેટ પણ સામેલ હતી. આ સમયે જ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ધૈર્યપૂર્ણ રમત દર્શાવી હતી. બંનેમાંથી એકની વિકેટ ગુમાવવા સાથે મેચમાં ટર્નિંગ પોઈન્ટ બની શકતો હતો બંનેએ વિકેટ બચાવીને ટીમનુ સ્કોર બોર્ડ લક્ષ્ય તરફ આગળ વધાર્યુ હતુ. કેએલ રાહુલે 91 બોલનો સામનો કરીને 75 રનની અણનમ ઈનીંગ રમી હતી. રાહુલે એક છગ્ગો અને 7 ચોગ્ગા નોંધાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ સાથ પૂરાવવા સાથે મહત્વપૂર્ણ રનનુ યોગદાન આપ્યુ હતુ. જાડેજાએ રાહુલને સાથ પૂરાવતા 45 રનની ઉપયોગી ઈનીંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા જમાવ્યા હતા. જેમાં તેણે અંતિમ બાઉન્ડરી વિજયી ચોગ્ગાના રુપમાં જમાવ્યો હતો. જાડેજા અને રાહુલ વચ્ચે અતૂટ શતકીય ઈનીંગ થઈ હતી.
Published On - 8:42 pm, Fri, 17 March 23