
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી વનડે સિરીઝની શરુઆત થઈ રહી છે. શુક્રવારે રમાનારી પ્રથમ વનડે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે વનડે સિરીઝ મહત્વની બની રહેનારી છે. આ વર્ષે ભારતમાં ઘર આંગણે વનડે વિશ્વકપ રમાનારો છે. આ પહેલા બંને ટીમોના માટે તૈયારીઓને લઈ વનડે સિરીઝ ક્ષતિઓને શોધવા અને તેને સુધારવા માટે મહત્વની સિરીઝ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહના વિના જ વધુ એક વનડે સિરીઝ રમવાની છે અને વિશ્વકપ પહેલા તે ક્યારે ટીમ સાથે પરત ફરશે એ હજુય અસ્પષ્ટ છે. જોકે બુમરાહ ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ નહીં હોવા છતાં હાર્દિક પંડ્યાને કોઈ ચિંતા નથી.
રોહિત શર્મા પ્રથમ વનડે મેચમાં ઉપલબ્ધ નથી જેને લઈ હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળશે. ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. પ્રથમ વનડેમાં ભારત માટે સારી શરુઆત જરુરી છે. આ પહેલા ભારતે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના વનડે સિરીઝમાં સુપડા સાફ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યુ છે. હવે વનડે સિરીઝ કબ્જે કરવાનો ઈરાદો ટીમ ઈન્ડિયાનો છે.
શુક્રવારે મુંબઈમાં પ્રથમ વનડે મેચ રમાનારી છે. આ પહેલા ગુરુવારે હાર્દિક પંડ્યા સામે ભારતીય ટીમના ખેલાડીઓની ઈજા અને તેના માટે સ્થાન ભરવાને લઈ સવાલો થયા હતા. ખાસ કરીને જસપ્રીત બુમરાહને લઈ તેના સ્થાનને ભરપાઈ કરવાને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. જવાબમાં હાર્દિક પંડ્યાએ ખાસ વધારે ચિંતિંત આ માટે નહીં હોવાનુ બતાવ્યુ હતુ.
પ્રથમ વનડેમાં સુકાન સંભાળનારા હાર્દિકે કહ્યુ હતુ કે, “આવી કોઈ લાંબા ગાળાની યોજના નથી. જસ્સી (બુમરાહ) છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે નથી. અમારું બોલિંગ ગ્રુપ સારી ભૂમિકા ભજવી રહ્યું છે. તેઓ બધા હવે અનુભવી છે. જસ્સીની હાજરીથી ઘણો ફરક પડે છે પરંતુ સાચું કહું તો અમને તેની બહુ ચિંતા નથી કારણ કે જે ખેલાડીઓએ જસ્સીની ભૂમિકા ભજવી છે, મને ખાતરી છે કે તેઓ સારું પ્રદર્શન કરશે.”
પંડ્યાએ સ્વીકાર્યું કે ઐયરની ગેરહાજરી ભારતની તૈયારીઓને અસર કરશે. તેણે કહ્યું, “તેની (અય્યર) ગેરહાજરી પર અસર પડશે અને અલબત્ત અમે તેને મિસ કરીશું પરંતુ જો તે જલ્દી પાછો નહીં આવે તો અમારે તેનો ઉકેલ શોધવો પડશે. જો તે ટીમમાં હોય તો તે આવકાર્ય છે પરંતુ જો તે ટીમમાં ન હોય તો આપણે કેવી રીતે આગળ વધવું છે તેના પર વિચાર કરવા માટે ઘણો સમય છે.”
Published On - 11:56 pm, Thu, 16 March 23