IND vs AUS: ચેતેશ્વર પુજારા દિલ્લી ટેસ્ટમાં કરશે કમાલ? ભારતીય બેટર માટે 100મી ટેસ્ટ ખાસ નથી રહેતી

દિલ્લી ટેસ્ટ રમવા મેદાને ઉતરતા જ ચેતેશ્વર પુજારા ખાસ સિદ્ધી પોતાના ટેસ્ટ કરિયરમાં હાંસલ કરનારો છે. પુજારા ભારતીય ટેસ્ટ ક્રિકેટનો 13મો ખેલાડી બનશે જે 100 ટેસ્ટ મેચ રમવાની ઉપલબ્ધી મેળવશે.

IND vs AUS: ચેતેશ્વર પુજારા દિલ્લી ટેસ્ટમાં કરશે કમાલ? ભારતીય બેટર માટે 100મી ટેસ્ટ ખાસ નથી રહેતી
Cheteshwar Pujara have a chance to create history
| Edited By: | Updated on: Feb 16, 2023 | 9:06 AM

આવતીકાલે શુક્રવારથી દિલ્લી ટેસ્ટની શરુઆત થનારી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ રમવા માટે મેદાને ઉતરતા જ ચેતેશ્વર પુજારા ખાસ સિદ્ધી હાંસલ કરશે. પુજારા પોતાના ટેસ્ટ કરિયરને આ 100મી ટેસ્ટ મેચ રમશે, આમ કરનારો તે ભારતીય ટેસ્ટ ક્રિકેટ નો 13મો ખેલાડી બનશે. જોકે આ ટેસ્ટ મેચને વિશેષ બનાવવાનો મોકો પુજારા પાસે છે. કારણ કે 100મી ટેસ્ટ રમનાર કોઈ ભારતીય બેટર સદી નોંધાવી શક્યો નથી. હા, આ દરમિયાન અડધી સદી તો સામે આવી છે, પરંતુ તેને કોઈ સદીમાં ફેરવી શક્યુ નથી.

પુજારાના બેટથી સદી નિકળવાની રાહ જોવાઈ રહી છે. દિલ્લી ટેસ્ટમાં તેના માટે આ મોકો છે. દરેક માટે ખાસ નહીં રહેતી 100મી ટેસ્ટને પુજારા ખાસ બનાવી શકે છે. આ માટે તેણે મોટી ઈનીંગ રમવાનો પ્રયાસ કરવો પડશે. જો આમ કરવામાં સફળ રહેશે, તો તેના માટે દિલ્લી ટેસ્ટ ઐતિહાસિક બની રહેશે.

100મી ટેસ્ટમાં સદી નથી નિકળતી

અત્યાર સુધી 12 ભારતીય ખેલાડીઓ પોતાના ટેસ્ટ કરીયરની 100 મેચ રમી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ, સુનિલ ગાવાસ્કર, વીવીએસ લક્ષ્મણ, કપિલ દેવ સહિતના અનેક ખેલાડીઓ 100 ટેસ્ટ રમવાનુ મુકામ હાંસલ કરી ચુક્યા છે. જેમાં સચિન 200 ટેસ્ટ રમવાની સિદ્ધી મેળવી ચુક્યો છે. જોકે આ યાદીમાં મહાન બેટર સામેલ હોવા છતાં એક પણ સદી નોંધાવી શક્યા નથી.

સચિન તેંડુલકરે પોતાની 100મી ટેસ્ટમાં 54 રન નોંધાવ્યા હતા. કપિલ દેવે 55 રન અને રાહુલ દ્રવિડે 52 રનની ઈનીંગ રમી હતી. વીવીએસ લક્ષ્મણે 64 રનની ઈનીંગ રમી હતી. આમ ભારતીય ધૂરંધર બેટરોએ 100મી ટેસ્ટ રમી હતી, પરંતુ પોતાના બેટથી સદી નોંધાવવી શકવાનો કમાલ ખાસ મુકામ પર કરી શક્યા નથી.

દુનિયાના આ બેટરો સદી જમાવી ચુક્યા છે

વિશ્વમાં એવા અનેક બેટરો છે કે, પોતાની 100મી ટેસ્ટ રમવા દરમિયાન સદી નોંધાવી ખાસ મુકામને યાદગાર બનાવી ચુક્યા છે. આવો કમાલ કરનારા વિશ્વના 9 બેટરો છે, જોકે ભારત તરફથી આ યાદીમાં નામ નોંધાઈ શક્યુ નથી. જ્યારે ઈંગ્લેન્ડના 3 (કોલીન કાઉન્ડ્રે, એલેક સ્ટીવર્ટ અને જો રુટ), પાકિસ્તાનના 2 (જાવેદ મીયાદાદ અને ઈંઝમામ ઉલ હક), દક્ષિણ આફ્રિકાના 2 (ગ્રીમ સ્મીથ અને હાશિમ અમલા), ઓસ્ટ્રેલિયાના 2 (રિકી પોન્ટીંગ અને ડેવિડ વોર્નર) અને વેસ્ટ ઈન્ડિઝ (ગોર્ડન ગ્રીનિઝ) ના 1 બેટરે 100મી ટેસ્ટમાં સદી નોંધાવવાની સિદ્ધી મેળવી છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે તો પોતાની 100મી ટેસ્ટની બંને ઈનીંગમાં સદી નોંધાવી હતી.

પોન્ટીંગે 100મી ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.જેમાં તેણે બંને ઈનીંગમાં સદી નોંધાવી હતી. પ્રથમ ઈનીંગમાં 120 અને બીજી ઈનીંગમાં અણનમ 143 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડના જો રુટ અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી ચુક્યા છે.

આ ભારતીય બેટરોએ 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે

  1. સચિન તેંડુલકર 200 ટેસ્ટ મેચ
  2. રાહુલ દ્રવિડ 163 ટેસ્ટ મેચ
  3. વીવીએસ લક્ષ્મણ 134 ટેસ્ટ મેચ
  4. અનિલ કુંબલે 132 ટેસ્ટ મેચ
  5. કપિલ દેવ 131 ટેસ્ટ મેચ
  6. સુનિલ ગાવાસ્કર 125 ટેસ્ટ મેચ
  7. દિલીપ વેંગસરકર 116 ટેસ્ટ મેચ
  8. સૌરવ ગાંગુલી 113 ટેસ્ટ મેચ
  9. ઈશાંત શર્મા 105 ટેસ્ટ મેચ
  10. હરભજનસિંહ 103 ટેસ્ટ મેચ
  11. વિરેન્દ્ર સહેવાગ 103 ટેસ્ટ મેચ
  12. વિરાટ કોહલી 105 ટેસ્ટ મેચ

 

Published On - 9:04 am, Thu, 16 February 23